Home Gujarat Palanpur Viksit Bharat Sammelan Power Cut Banaskantha

વિકસિત ભારત સંમેલનમાં જ વીજળી ગુલ! : 2 રાજ્ય મંત્રીઓની હાજરીમાં અંધારપટ, લોકોએ મોબાઇલની ફ્લેશલાઇટનો લીધો સહારો

બનાસકાંઠામાં બંધ લાઇટમાં કાર્યક્રમ
Published by: Chintan Chavda
Last Updated: Jun 17, 2026, 11:28 AM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં "સુશાસનના 12 વર્ષ"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ "વિકસિત ભારત સંકલ્પ સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિકસિત ભારત અને સુશાસનની વાતો ચાલી રહી હતી ત્યારે જ કાર્યક્રમ દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતા સમગ્ર હોલ અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો.

રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી અને કમલેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક લાઈટ જતી રહેતાં ઉપસ્થિત લોકોમાં થોડા સમય માટે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી.

અંધારું છવાતાં લોકોએ મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરી

વીજ પુરવઠો બંધ થતાં કાર્યક્રમ સ્થળે અંધકાર છવાઈ ગયો હતો. જેના કારણે ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને પ્રકાશની વ્યવસ્થા કરવી પડી હતી. કેટલાક સમય સુધી કાર્યક્રમ ફ્લેશલાઇટના અજવાળામાં જ ચાલ્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે પ્રસ્તુતિઓ ચાલી રહી હતી ત્યારે જ વીજળી ખોરવાતાં સમગ્ર ઘટનાએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટના બાદ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો વચ્ચે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

શાળા શરૂ થઈ ગઈ, પણ પુસ્તકો ક્યાં?: ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ હજુ જોઈ રહ્યાં છે રાહ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

સુશાસનની ચર્ચા વચ્ચે વીજ વ્યવસ્થાએ ઊભા કર્યા સવાલ

બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી હતી. મંત્રીઓએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાઓ અને ઉદ્યોગોને મળેલા લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પરંતુ કાર્યક્રમ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક સ્તરે વીજ વ્યવસ્થા અને કાર્યક્રમની પૂર્વ તૈયારી અંગે પણ સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને રાજ્ય સરકારના બે મંત્રીઓની હાજરીમાં યોજાયેલા મહત્વના કાર્યક્રમમાં વીજળી જતી રહેવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

વડોદરાની નવરચના હાઇસ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડે હાથ ધરી તપાસ

ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકોની મોટી હાજરી

કાર્યક્રમમાં પાલનપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ અને ઉદ્યોગલક્ષી નિર્ણયો માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જોકે કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ કરતાં વીજ પુરવઠો ખોરવાવાની ઘટના વધુ ચર્ચાનો વિષય બની રહી હતી. અંધારામાં યોજાયેલા આ સંમેલનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now