Home Gujarat Ahmedabad Gujarat School Textbook Delay Congress Allegation 2026

શાળા શરૂ થઈ ગઈ, પણ પુસ્તકો ક્યાં? : ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ હજુ જોઈ રહ્યાં છે રાહ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ જોશી અને વિદ્યાર્થીઓનાં ફોટા
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 17, 2026, 11:17 AM IST

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે શાળાઓ શરૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધતા સરકારના શિક્ષણ સુધારણા અને 'આમૂલ પરિવર્તન'ના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં હેમાંગ રાવલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક તરફ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) અને નવી શિક્ષણ નીતિના અમલીકરણના ભવ્ય કાર્યક્રમો યોજી રહી છે, જ્યારે બીજી તરફ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ભણવા માટેની સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો પણ સમયસર ઉપલબ્ધ નથી.

સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ

કોંગ્રેસના જણાવ્યા મુજબ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) વર્ષ 2023માં જાહેર થઈ ચૂક્યું હતું અને રાજ્ય સરકાર પાસે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોની તૈયારી માટે પૂરતો સમય હતો. તેમ છતાં શાળાઓ શરૂ થયા બાદ પણ પાઠ્યપુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે શિક્ષણમાં પરિવર્તનની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં સમયસર પુસ્તકો પહોંચે. જો વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ સામગ્રી જ ઉપલબ્ધ ન હોય અને શિક્ષકો પાસે અભ્યાસક્રમ ચલાવવા માટે જરૂરી સાધનો ન હોય તો શિક્ષણ સુધારણાના તમામ દાવાઓ માત્ર કાગળ પરના દાવા બની રહે છે.

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 6 જૂનથી થઈ હતી. સામાન્ય રીતે શાળા શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી જવા જોઈએ જેથી પ્રથમ દિવસથી નિયમિત શિક્ષણકાર્ય શરૂ થઈ શકે. પરંતુ કોંગ્રેસના દાવા મુજબ ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ હજુ પણ પુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.

પક્ષે રજૂ કરેલી માહિતી મુજબ તા. 16 જૂન 2026 સુધી ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકોના વિતરણમાં ગંભીર ખામીઓ જોવા મળી રહી છે. કુલ 208 વિતરણ રૂટમાંથી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો મોકલવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે બાકીના 193 રૂટ પર હજુ સુધી પૂરતું વિતરણ થયું નથી. રાજ્યભરના 400થી વધુ વિતરણ કેન્દ્રોમાં પુસ્તકો ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો રેકોર્ડબ્રેક વેપાર : 8 લાખથી વધુ બોક્સની આવકથી સર્જાયો ઈતિહાસ

ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ પર સીધી અસર

આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી વધુ પ્રભાવ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ પર પડી રહ્યો હોવાનું કોંગ્રેસનું કહેવું છે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), આદિવાસી તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો પર નિર્ભર રહે છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે અને શિક્ષકો માટે પણ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા શિક્ષણની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

છાપકામ અને વિતરણ પ્રક્રિયા પર ઉઠ્યા પ્રશ્નો

હેમાંગ રાવલે વધુમાં દાવો કર્યો હતો કે પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક વિનામૂલ્યે વિતરણ કરવાના પુસ્તકોનું છાપકામ જ હજુ સુધી પૂર્ણ થયું નથી. જો આ માહિતી સાચી હોય તો પ્રશ્ન માત્ર વિતરણમાં વિલંબનો નહીં પરંતુ સમગ્ર આયોજન, ખરીદી, છાપકામ અને વિતરણ વ્યવસ્થાનો હોવાનું તેમણે જણાવ્યું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ પુસ્તકો સમયસર છપાઈને પહોંચી ગયા છે, જ્યારે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો હજુ ઉપલબ્ધ નથી. પક્ષે સવાલ કર્યો છે કે સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે કે પાઠ્યપુસ્તકોના વેચાણથી આવક મેળવવાની વ્યવસ્થા?

આ પણ વાંચો: હવે છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચશે આરોગ્ય સેવાઓ : ગુજરાતમાં પ્રથમવાર ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો ઐતિહાસિક પ્રારંભ

પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ

કોંગ્રેસે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસે અનેક સવાલોના જવાબ માંગ્યા છે. તેમાં શાળા શરૂ થયા બાદ પણ પુસ્તકો કેમ પહોંચ્યા નથી, માત્ર 15 રૂટ પર જ વિતરણ કેમ થયું, 400થી વધુ કેન્દ્રો પર પુસ્તકો કેમ ઉપલબ્ધ નથી અને છાપકામની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.

પક્ષે આ સમગ્ર મામલામાં વહીવટી બેદરકારી ઉપરાંત સંભવિત અનિયમિતતા અથવા કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં વધુ દસ્તાવેજો અને માહિતી જાહેર કરીને સમગ્ર મામલે સત્ય બહાર લાવવાની વાત પણ કોંગ્રેસે કરી છે.

આ પણ વાંચો: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીનો લગ્ન વિવાદ વધુ વકર્યો : પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

સરકારના હસ્તક્ષેપની માંગ

કોંગ્રેસે રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું યુદ્ધના ધોરણે વિતરણ પૂર્ણ કરવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ મુદ્દે રાજ્ય સરકાર અથવા શિક્ષણ વિભાગ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવે છે કે નહીં તેના પર હવે સૌની નજર છે. શિક્ષણ સત્રની શરૂઆતમાં જ ઉભી થયેલી આ પરિસ્થિતિ લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર કરી શકે છે, જેને લઈને શિક્ષણ જગતમાં પણ ચર્ચા તેજ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now