અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં અનેક પીડિત પરિવારો ફરી એકવાર દુઃખની લાગણીઓમાંથી પસાર થયા હતા. આવી જ એક કરૂણ કહાની કલોલના ગુંજનકુમાર ચૌધરી અને તેમની પત્ની જૈમિનીની છે. દુર્ઘટનાની વરસીએ ગુંજન ચૌધરી અમદાવાદ ખાતે ક્રેશ સ્થળે પહોંચ્યા હતા અને પોતાની દિવંગત પત્ની જૈમિનીનો ફોટો લઈને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુંજન અને જૈમિનીના લગ્નજીવનને 12 વર્ષ પૂર્ણ થયા હતા. બંને છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા અને પોતાના ભવિષ્યને લઈને અનેક સપનાઓ જોઈ રહ્યા હતા. પરંતુ 12 જૂનના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનાએ તેમના જીવનની તમામ ખુશીઓ એક ક્ષણમાં છીનવી લીધી હતી.
રાજકોટમાં વધુ એક ડિમોલિશનની તૈયારી: આ વિસ્તારમાં ઝૂંપડાં ખાલી કરવા મનપાની નોટિસ, સ્થાનિકોમાં રોષ
લંડનમાં નવા જીવનના સપના, પરંતુ દુર્ઘટનાએ બધું બદલી નાખ્યું
ગુંજન ચૌધરીએ જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા. થોડા સમય માટે બંને ભારત આવ્યા હતા. જોકે, કંપનીમાં રજાઓ ન હોવાથી ગુંજન 21 મેના રોજ પાછા લંડન પહોંચી ગયા હતા, જ્યારે જૈમિની 12 જૂને લંડન જવા માટે ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી.
દંપતી લાંબા સમય બાદ ફરી સાથે જીવનની નવી શરૂઆત કરવાની તૈયારીમાં હતું. ખાસ વાત એ હતી કે જૈમિની બે મહિનાની ગર્ભવતી હતી. પરિવારમાં નવા મહેમાનના આગમનની ખુશી હતી, પરંતુ નસીબે કંઈક જુદું જ નક્કી કર્યું હતું.
ગુંજન કહે છે કે, “મેં માત્ર મારી પત્ની જ નહીં, પરંતુ મારું ગર્ભસ્થ સંતાન પણ ગુમાવ્યું છે. આ દુઃખને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી.”
છેલ્લો વીડિયો કોલ આજે પણ જીવંત યાદ
દુર્ઘટના પહેલાં ગુંજન અને જૈમિની વચ્ચે છેલ્લી વખત વીડિયો કોલ પર વાત થઈ હતી. ગુંજનના જણાવ્યા મુજબ બપોરે લગભગ 12:39 વાગ્યે બંને વચ્ચે વાતચીત થઈ હતી. તે સમયે જૈમિનીએ તેમને લંડનના ગેટવિક એરપોર્ટ પર લેવા આવવાનું કહ્યું હતું.
આ વીડિયો કોલ આજે પણ ગુંજન માટે સૌથી કિંમતી યાદ બની ગયો છે. તેઓ કહે છે કે છેલ્લા એક વર્ષથી તેઓ વારંવાર આ છેલ્લી વાતચીતને જોઈને દિવસો પસાર કરે છે.
“એનો છેલ્લો વીડિયો કોલ અને ચેટ આજે પણ મારી પાસે છે. એ જ જોઈને દિવસ પસાર કરું છું. 12 મહિનાથી દરરોજ ન્યાય માટે પ્રાર્થના કરું છું,” એમ ગુંજને જણાવ્યું હતું.
દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ બેભાન થઈ ગયા
દુર્ઘટનાના સમયે ગુંજન લંડનમાં પોતાની કંપનીમાં કામ કરી રહ્યા હતા. અચાનક પ્લેન ક્રેશના સમાચાર મળતા જ તેઓ બેભાન થઈ ગયા હતા.
તેમણે જણાવ્યું કે, “સમાચાર સાંભળ્યા પછી હું કંપનીમાં જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. મારી કંપનીના માલિકે ખૂબ સહયોગ આપ્યો અને મને ભારત પરત આવવામાં મદદ કરી.”
તે સમયે પરિવાર અને મિત્રો માટે પણ આ ઘટના અવિશ્વસનીય હતી. થોડા કલાકો પહેલાં જ થયેલી વાતચીત બાદ આવી દુઃખદ ખબર સ્વીકારવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી.
એક વર્ષ બાદ પણ ન્યાયની રાહ
દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં ગુંજન ચૌધરી હજુ પણ જવાબોની રાહ જોઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે પ્લેન ક્રેશનું સાચું કારણ જાહેર થવું જોઈએ જેથી પીડિત પરિવારોને ન્યાય મળી શકે.
તેમણે જણાવ્યું કે, “અમે સતત સંપર્કમાં રહીએ છીએ, પરંતુ હંમેશા ગોળમોળ જવાબ આપવામાં આવે છે. અમને માત્ર એટલું જાણવું છે કે આ દુર્ઘટના પાછળનું સાચું કારણ શું હતું. સત્ય બહાર આવશે ત્યારે જ અમને સાચો ન્યાય મળશે.”
જીવન આજે પણ અધૂરું
પત્ની અને ગર્ભસ્થ સંતાન ગુમાવ્યા બાદ ગુંજનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેઓ હાલ કલોલમાં રહે છે અને હજુ પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી.
તેઓ કહે છે કે 12 વર્ષનો સાથ એક ક્ષણમાં ખોવાઈ ગયો. દરેક દિવસ પત્નીની યાદો સાથે પસાર થાય છે. પરિવાર પણ હજુ સુધી આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. નિવૃત્ત પિતા ગામમાં ખેતી કરે છે, પરંતુ આખા પરિવાર પર આ ઘટનાની ઊંડી અસર જોવા મળે છે.
અમદાવાદ પ્લેન ક્રેશની વરસીએ ગુંજન ચૌધરીની વેદનાએ ફરી એકવાર સૌને ભાવુક કરી દીધા. એક વર્ષ બાદ પણ તેમની આંખોમાં માત્ર બે પ્રશ્નો છે - આ દુર્ઘટના કેમ બની અને તેમને ન્યાય ક્યારે મળશે?





