Home Gujarat Rajkot Rajkot Hinglajnagar Demolition Notice 70 Huts Amin Marg

રાજકોટમાં વધુ એક ડિમોલિશનની તૈયારી : આ વિસ્તારમાં ઝૂંપડાં ખાલી કરવા મનપાની નોટિસ, સ્થાનિકોમાં રોષ

રાજકોટ ડિમોલિશન
Published by: Chintan Chavda
Last Updated: Jun 12, 2026, 09:53 AM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત વધુ એક મોટી કાર્યવાહી માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવ નિર્મિત ટ્વિન્સ ટાવર પાસે આવેલા હિંગળાજનગરમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારોને ઝૂંપડાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં આવેલા આશરે 70 જેટલા ઝૂંપડાં ખાલી કરવા માટે રહેવાસીઓને 15 દિવસની મુદત આપી છે. સાથે જ વિજીલન્સ વિભાગની હાજરીમાં સમગ્ર પ્લોટનું ડિમાર્કેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.


ગીર સોમનાથમાં સાયબર સેલનો મોટો સપાટો: ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ માં 310 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ

વર્ષોથી વસવાટ છતાં ખાલી કરવાની નોટિસ

હિંગળાજનગરમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 50થી 70 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. ઘણા પરિવારોની એકથી વધુ પેઢીઓ અહીં રહી ચૂકી છે અને તેમની પાસે વીજળી બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ગેસ કનેક્શન તેમજ અન્ય સરકારી દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે.

સ્થાનિક રહેવાસી ધર્મેન્દ્ર આહીરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ અગાઉ દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું હતું, જે મુજબ તમામ રહેવાસીઓએ જરૂરી પુરાવા રજૂ કર્યા હતા. તેમ છતાં હવે અચાનક 15 દિવસમાં સ્થળ ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે.

તેમણે જણાવ્યું કે, "અમે વર્ષોથી અહીં રહીએ છીએ. જો જગ્યા ખાલી કરાવવી હોય તો પહેલાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આટલા મોટા પ્રમાણમાં પરિવારો માટે માત્ર 15 દિવસનો સમય પૂરતો નથી."


અમદાવાદ પ્લેન ક્રેશ: અગનગોળામાં ભસ્મીભૂત થયેલા સપના, ખેડા-આણંદના ઘરોમાં આજે પણ ગુંજે છે ચીસો

ચોમાસા પહેલાંની કાર્યવાહી સામે વિરોધ

સ્થાનિક લોકોમાં સૌથી વધુ રોષ એ બાબતને લઈને છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રહેવાસીઓનું કહેવું છે કે હાલના સમયે ઘરો ખાલી કરાવવા કરતાં ચોમાસા બાદ કાર્યવાહી કરવામાં આવે તો વધુ યોગ્ય રહેશે.

ઘણા પરિવારો માટે રહેઠાણનો પ્રશ્ન ગંભીર બન્યો છે. જો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો વરસાદી મોસમ દરમિયાન તેઓ ક્યાં જશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો ધરાવતા પરિવારોમાં ખાસ કરીને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ, ડિમોલિશનની કાર્યવાહી ચોમાસા બાદ કરવામાં આવે અને બીજી, જો સ્થળ ખાલી કરાવવું જ હોય તો અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે.

સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વિકાસ કાર્યોનો વિરોધ નથી કરતા, પરંતુ લાંબા સમયથી વસવાટ કરતા પરિવારોને પૂરતી તૈયારી અને પુનર્વસન વિના સ્થળ ખાલી કરવા કહેવું માનવતાના દૃષ્ટિકોણથી યોગ્ય નથી.


અમદાવાદ પ્લેન ક્રેશ: બી.જે. મેડિકલ કોલેજના તબીબોએ યાદ કરી એ ભયાનક બપોર, 'આજે પણ આંખો સામે તરવરે છે વિનાશના દ્રશ્યો'

મનપાની કાર્યવાહી પર સૌની નજર

રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં સરકારી જમીનો પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે. હિંગળાજનગરનો પ્લોટ પણ કિંમતી સરકારી જમીન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તંત્ર આ જમીન ખાલી કરાવવા માટે કાર્યવાહી આગળ ધપાવી રહ્યું છે.

હવે આગામી દિવસોમાં સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને તંત્ર શું નિર્ણય લે છે અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ જાહેરાત કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now