Home Gujarat Rajkot Ahmedabad Ai171 Plane Crash One Year Rishabh Rupani Reaction

"વાતોને વહેતી મૂકીને 'ચોરીને ચીકણું ન કરવું જોઈએ'" : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં પૂર્વ CM સ્વ. વિજય રૂપાણીના પુત્રનું ભાવુક નિવેદન

ઋષભ રૂપાણી
Published by: Viral Patel
Last Updated: Jun 11, 2026, 12:58 PM IST

Ahmedabad News: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી એ ભયાનક અને કાળજું કંપાવી દેનારી વિમાન દુર્ઘટનાને આજે પૂરૂં એક વર્ષ થઈ ગયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 પ્લેન ક્રેશની આ કરૂણ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે પોતાના જીવ ગુમાવ્યા હતા. આજે આ ગોઝારી ઘટનાની પ્રથમ વરસી (વાર્ષિક પુણ્યતિથિ) નિમિત્તે સમગ્ર ગુજરાત ભાવવિભોર છે, ત્યારે સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાવુક પ્રતિક્રિયા આપી હતી અને પિતાની સ્મૃતિમાં સેવાકીય કાર્યોની જાહેરાત કરી હતી.

"સેવાકીય કાર્યો આગળ વધારવા એ જ પિતાને સાચી શ્રદ્ધાંજલિ"

પત્રકાર પરિષદને સંબોધતા ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, "આજે પિતાજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. 'વિજય રૂપાણી ફાઉન્ડેશન' દ્વારા વિજયભાઈના વિચારો અને તેમના જનસેવાના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમના અધૂરા મૂકેલા સેવાયજ્ઞને આગળ ધપાવવો એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે." આ અંતર્ગત ફાઉન્ડેશન દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ લોકહિતના અને સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મોટા પાયે બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર) અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન થયો મોટો ઘટસ્ફોટ : CM ઓફિસ, AMC ઓફિસ, RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો

તપાસ અંગે ઋષભ રૂપાણીનું મહત્વનું નિવેદન: "તપાસ એજન્સીઓ પર પૂરો ભરોસો"

પ્લેન ક્રેશની તપાસ અને એરલાઇન્સ સાથેના સંપર્ક અંગે વાત કરતા ઋષભ રૂપાણીએ કેટલાંક મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "મારી બહેન રાધિકાબેન દ્વારા એર ઇન્ડિયા અને ટાટા ગ્રૂપ સાથે સતત ઇમેઇલ કમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે. તેમણે મોકલેલા ઇ-મેઇલનો એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક પીડિત પરિવારો પણ પોતાની રીતે કંપની સાથે ઇમેઇલ દ્વારા સંપર્કમાં છે."

અકસ્માતની તપાસ અંગે પૂછવામાં આવતા ઋષભે પરિપક્વતા દર્શાવતા કહ્યું કે, "હાલ આ મામલે ઓફિશિયલ ઇન્વેસ્ટિગેશન (તપાસ) ચાલી રહી છે, તેથી તેના પર કોઈ બિનજરૂરી ટિપ્પણી કરવી યોગ્ય નથી. વાર્તાને વહેતી મૂકીને 'ચોરીને ચીકણું ન કરવું જોઈએ'. મને અને મારા પરિવારને તપાસ એજન્સીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે." તેમણે ઉમેર્યું કે, ભારત હોય કે ભારત બહાર, પ્લેન ક્રેશ જેવી મોટી ઘટનાઓની તપાસ પ્રક્રિયા ખૂબ લાંબી ચાલતી હોય છે કારણ કે તેમાં ટેકનિકલ કોમ્પ્લિકેશન્સ (જટિલતાઓ) આવતી હોય છે.

ડીસાના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી અપહરણનો પ્રયાસ : 5 લાખની ખંડણી માંગતા ચાર આરોપીઓ ઝડપાયા, બે યુવતીઓ ફરાર

પીડિત પરિવારોને ધીરજ રાખવા અપીલ

ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, હું આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા તમામ પીડિત પરિવારોને નમ્ર વિનંતી કરું છું કે આપણે સૌ તમામ તપાસ એજન્સીઓ પર વિશ્વાસ રાખીએ. દેશના પ્રધાનમંત્રી સહિતના તમામ વરિષ્ઠ નેતાઓ પર ભરોસો રાખીએ. તપાસનો સચોટ નિષ્કર્ષ ચોક્કસ આવશે, બસ આપણે તપાસ એજન્સીઓને પૂરતો સાથ અને સહકાર આપવો જોઈએ." અમદાવાદ પ્લેન ક્રેશની આ વરસીએ જ્યાં એકતરફ પરિવારો પોતાના વહાલાઓને યાદ કરીને આંસુ સારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિજય રૂપાણીના પરિવારે પિતાના પગલે ચાલીને પીડિતોને ધૈર્ય રાખવા અને સમાજસેવા તરફ વળવા પ્રેરણા આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now