Palanpur News: બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ડીસાના એક નિર્દોષ ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી રૂ. 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ મામલે ગઢ પોલીસે ત્વરિત એક્શન લેતા ગણતરીના કલાકોમાં જ ચાર સાગરીતોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી બે યુવતીઓ હજુ પણ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ફોન પર મિત્રતા કેળવી હોટલમાં બોલાવ્યો, પછી કર્યું અપહરણ
મળતી માહિતી મુજબ, ડીસાના એક ખેડૂત સાથે એક યુવતીએ ફોન પર મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી. વિશ્વાસમાં આવ્યા બાદ યુવતીએ ખેડૂતને એક હોટલ ખાતે મળવા માટે બોલાવ્યો હતો. ખેડૂત હોટલે પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ યુવતી અને તેના અન્ય સાગરીતો ત્યાં ગાડી લઈને આવી પહોંચ્યા હતા. તેઓએ ખેડૂતને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો અને તેનું અપહરણ કરી લીધું હતું.
5 લાખની માંગણી કરી, ₹54 હજાર અને ડોક્યુમેન્ટ પડાવી લીધા
અપહરણ કર્યા બાદ આ ટોળકીએ ખેડૂતને ડરાવી-ધમકાવીને રૂ. 5 લાખની મોટી રકમની માંગણી કરી હતી. ખેડૂત પાસે એટલી મોટી રકમ ન હોવા છતાં, આરોપીઓએ બળજબરીપૂર્વક તેની પાસેથી ₹54,000 રોકડા કઢાવી લીધા હતા. આટલાથી ન અટકતા, આરોપીઓએ ખેડૂતના મહત્વના અસલી ડોક્યુમેન્ટ્સ પણ આંચકી લીધા હતા અને પોલીસ ફરિયાદ ન કરવા બાબતે ધમકી આપી છોડી મૂક્યો હતો.
ભોગ બનનાર ખેડૂતે હિંમત દાખવી નોંધાવી ફરિયાદ
આ સમગ્ર ઘટનાથી ગભરાઈ જવાને બદલે ખેડૂતે હિંમત દાખવી ગઢ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. હની ટ્રેપ અને અપહરણ જેવા ગંભીર ગુનાની ફરિયાદ મળતા જ ગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.
સુરત ડિમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી : ઘૂસપેઠ અને અતિક્રમણ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલો
ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને દબોચ્યા
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ હની ટ્રેપની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓના નામ નીચે મુજબ છે. 1. તેજસ સોની, 2. મયુર રાઠોડ, 3. કમલેશ મોચી અને 4. અજય પટણી.
બે મુખ્ય સૂત્રધાર યુવતીઓ હજુ ફરાર, અન્ય ગુનાઓની તપાસ શરૂ
ખેડૂતને ફોન પર ફસાવનારી મુખ્ય આરોપી કિરણ અને પૂજા નામની બે યુવતીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. ગઢ પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ટોળકીએ અગાઉ પણ અન્ય કોઈ ખેડૂતો કે વેપારીઓને આ રીતે હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક મોટા ગુનાઓ પરથી પણ પડદો ઊંચકાઈ શકે છે.





