Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ભુતીયા ખાતે પાલિકા દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. હિન્દુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીએ આ મામલે એન્ટ્રી કરીને સીધો જ ભાજપના સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડિયા સામે મોરચો ખોલી દીધો છે. સોશિયલ મીડિયા પર વિડીયો અને પોસ્ટ શેર કરીને કાજલ હિન્દુસ્તાનીએ ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે.
ગેરકાયદેસર અતિક્રમણ અને ધારાસભ્યનો સપોર્ટ
કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા જ્યારે અવૈધ ઘૂસણખોરોના અતિક્રમણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું, ત્યારે ભાજપના જ ધારાસભ્ય વિનોદ મોરડિયા તેમની વહારે આવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપ મુજબ, ધારાસભ્ય સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસેલા તત્વોના સમર્થનમાં ઊભા રહીને પાલિકાની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.
19 વર્ષથી પોલીસને ચકમો આપતો શખ્સ આખરે ઝડપાયો : કરોડોની બેંક છેતરપિંડીનો ઉકેલાયો ભેદ
સ્કૂલની જમીન પર 500 ‘જેહાદીઓ’ના ઝૂંપડા: વૃદ્ધ માતાની આપવીતી
પોતાની વાતના સમર્થનમાં કાજલ હિન્દુસ્તાનીએ અન્ય એક વિડીયો પણ જાહેર કર્યો છે. આ વિડીયોમાં એક વૃદ્ધ માતા નજરે પડે છે, જેમની આ જમીન હતી.આ વૃદ્ધ માતાએ બાળકોના શિક્ષણ માટે પોતાની કિંમતી જમીન સુરત પાલિકાને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપી હતી. આ જમીન પર સ્કૂલ તો ન બની, પરંતુ કથિત રીતે 500 જેટલા ગેરકાયદેસર જેહાદીઓએ ત્યાં પોતાના ઝૂંપડા તાણી દીધા અને જમીન પર કબ્જો જમાવી લીધો. વૃદ્ધ માતાએ પણ વિડીયોમાં પોતાની વ્યથા ઠાલવી છે કે જે હેતુ માટે જમીન આપી હતી તે પૂરો થવા દેવામાં આવ્યો નથી.
પીએમ મોદી અને અમિત શાહ પાસે કડક કાર્યવાહીની માંગ
કાજલ હિન્દુસ્તાનીએ આ સમગ્ર મામલાને દેશની આંતરિક સુરક્ષા અને સરકારી તંત્રના દુરુપયોગ સાથે જોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહજી આ ગંભીર ઘટનાની સંજ્ઞાન લે. સરકારી જમીન ખાલી કરાવવાની કાર્યવાહીમાં અવરોધ બનનારા અને પોતાની જ વિધાનસભામાં આવા ઘૂસણખોરોને સંરક્ષણ આપનારા ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડિયા સામે પક્ષ અને સરકાર સ્તરે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે."
શું છે સમગ્ર વિવાદ?
સુરત પાલિકા દ્વારા ભુતીયા વિસ્તારમાં સરકારી જમીન લાઈન દોરી અને ટીપી સ્કીમના અમલીકરણ માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે વિરોધ થતાં ધારાસભ્ય વિનોદ મોરડિયા ત્યાં પહોંચ્યા હતા અને પ્રશાસન સાથે ચર્ચા કરી હતી. જોકે, કાજલ હિન્દુસ્તાનીના આ આક્ષેપો બાદ હવે આ લડાઈ સ્થાનિક વહીવટી પ્રક્રિયામાંથી બહાર નીકળીને 'રાષ્ટ્રવાદ વિરુદ્ધ ઘૂસણખોરી'ના મુદ્દા પર આવી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન અને હાઈકમાન્ડ પોતાના જ ધારાસભ્ય સામે લાગેલા આ ગંભીર આક્ષેપો પર શું એક્શન લે છે અને સુરત પાલિકા આ વિવાદ વચ્ચે ડિમોલિશનની કામગીરી કેવી રીતે આગળ વધારે છે.





