12 જૂન, 2025નો દિવસ ગુજરાતના ઈતિહાસમાં એક એવી કરુણ ઘટના તરીકે નોંધાયો છે, જેને યાદ કરતાં આજે પણ હજારો આંખો ભીની થઈ જાય છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-717 ટેક ઓફના ગણતરીના મિનિટોમાં જ ભયાનક દુર્ઘટનાનો ભોગ બની હતી. વિમાન અગનગોળામાં ફેરવાઈ જતાં તેમાં સવાર તમામ 242 લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક પરિવારોના સપનાઓ એક પળમાં રાખ થઈ ગયા હતા.
આજે આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. સમય આગળ વધી ગયો છે, પરંતુ પીડિત પરિવારો માટે ઘડિયાળ જાણે એ જ દિવસે અટકી ગઈ હોય તેમ લાગે છે. ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લાનાં ગામડાંઓમાં આજે પણ આ દુર્ઘટનાની યાદો જીવંત છે. અનેક ઘરોમાં હજુ પણ તાળાં લટકી રહ્યા છે, તો ક્યાંક માતા-પિતાની રાહ જોતા સંતાનો અને સંતાનોની રાહ જોતા વૃદ્ધોની આંખોમાં અપૂર્ણ અપેક્ષાઓના આંસુ છે.
ખેડા જિલ્લાએ ગુમાવ્યા 17 અમૂલ્ય જીવ
આ દુર્ઘટનાનો સૌથી મોટો ફટકો ખેડા જિલ્લાને પડ્યો હતો. માત્ર ખેડા જિલ્લાનાં 17 લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. ઘણા લોકો પોતાના સંતાનોને મળવા જઈ રહ્યા હતા, તો કેટલાક પરિવાર સાથે નવા જીવનના સપના લઈને વિદેશ પરત ફરી રહ્યા હતા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાય અને યોગ્ય વળતર માટે લડી રહ્યા છે. અનેક પરિવારોનો આક્ષેપ છે કે તેમને આપવામાં આવેલું વળતર પૂરતું નથી અને સમગ્ર કાયદાકીય પ્રક્રિયા ગુજરાતમાં જ થવી જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી : શહીદોની સ્મૃતિમાં 547 કરોડના આરોગ્ય અને શિક્ષણ પ્રોજેક્ટ્સ બનશે
એક માત્ર દીકરાના મોતથી વૃદ્ધ પિતા નિઃસહાય બન્યા
કઠલાલના પૂર્વ પ્રમુખ અને લોકપ્રિય સામાજિક કાર્યકર પ્રશાંત પટેલનું નામ આજે પણ સ્થાનિક લોકો ભારે દુઃખ સાથે યાદ કરે છે. પ્રશાંત પટેલ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા. તેમના અચાનક અવસાનથી આખો પરિવાર આર્થિક અને માનસિક સંકટમાં ધકેલાઈ ગયો.
તેમના પિતા દિલીપભાઈ પટેલ આજે પણ પુત્રની યાદમાં તૂટી પડ્યા છે. દીકરાના વિયોગનો આઘાત એટલો ગંભીર રહ્યો કે તેમને હૃદય સંબંધિત બીમારી થઈ ગઈ. ઘરમાં હવે કમાણી કરનાર કોઈ નથી. પ્રશાંતભાઈના બે નાના બાળકો અને પત્ની આજે પણ પરિવારના આધારસ્તંભને ગુમાવ્યાનું દુઃખ ભૂલી શક્યા નથી. પરિવારનો આક્ષેપ છે કે વળતર અંગે હજુ પણ અનેક પ્રશ્નો અનઉકેલ્યા છે. તેઓ માને છે કે પીડિતોને તેમની હક્કની સંપૂર્ણ રકમ મળવી જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: લંડન જવા નીકળેલો સાહિલ ક્યારેય પરત ન આવ્યો : એક વર્ષ પછી પણ પરિવારના ન્યાય માટે ધક્કા
સૂના મકાનો
ડાકોરની ધરતી સોસાયટીમાં આવેલું એક ઘર આજે પણ બંધ હાલતમાં ઉભું છે. આ ઘર પૂર્ણિમાબેન પટેલનું હતું, જેઓ પોતાના લંડનમાં રહેતા દીકરાને મળવા માટે ઉત્સાહભેર નીકળ્યા હતા. પરંતુ તેમની સફર ક્યારેય પૂરી થઈ શકી નહીં.
મહુધાના એક પરિવારની કહાની પણ એટલી જ કરુણ છે. પોતાના માતા-પિતાને વતનમાં સુખથી રહેવા માટે દીકરાએ આલીશાન મકાન બનાવ્યું હતું. ગૃહપ્રવેશની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ એ પહેલાં જ માતા-પિતા દુર્ઘટનાનો ભોગ બન્યા. આજે તે મકાનમાં જીવનનો કોઈ અવાજ નથી, માત્ર યાદો અને ખાલીપો છે.
ભાઈની સેવા કરવા આવ્યા
સોજિત્રાના નિલકંઠભાઈ પટેલ યુકેમાં સ્થાયી હતા. તેઓ પોતાના પિતરાઈ ભાઈની કેન્સરની સારવાર દરમિયાન મદદ કરવા ભારત આવ્યા હતા. ભાઈની તબિયત સુધરતાં તેઓ ખુશીથી પરત ફરી રહ્યા હતા, પરંતુ વિમાન દુર્ઘટનાએ તેમની જીવનયાત્રા અધૂરી છોડી દીધી. આ ઘટનાનો આઘાત એટલો ગંભીર હતો કે જે ભાઈની સારવાર માટે તેઓ આવ્યા હતા, તે પણ થોડા મહિનાઓમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા. આખું ગામ આજે પણ આ બંને આત્માઓને યાદ કરીને ભાવુક બની જાય છે. વાસદના જાણીતા ઉદ્યોગપતિ અને ક્રિષ્ના રિવરસાઇડ સાથે સંકળાયેલા રજનીકાંત પટેલ, તેમની પત્ની દિવ્યાબેન અને ભાભી હેમાંગીબેનના અવસાનથી પણ પરિવાર સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો હતો.
એક વર્ષ પછી પણ તાળાં બંધ, યાદો જીવંત
બોરસદ, ઝારોલા, ભરોડા, ગાણા અને મોગરી જેવા વિસ્તારોમાં આજે પણ એવા ઘરો છે જ્યાં એક વર્ષ પહેલાં છેલ્લી વાર તાળું મારવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો વિદેશ જવા અથવા સંતાનોને મળવા નીકળ્યા હતા, પરંતુ ક્યારેય પાછા ફર્યા નહીં.
ભરોડાના વૃદ્ધ દંપતી શશિકાન્તભાઈ અને કોકિલાબેન પોતાના દીકરાને મળવા ચોથી વાર લંડન જઈ રહ્યા હતા. સવારે પરિવારજનોએ ખુશીથી વિદાય આપી હતી, પરંતુ બપોર સુધીમાં તેમના અવસાનના સમાચાર આવી પહોંચ્યા. આ ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો હતો.
ન્યાયની રાહમાં એક વર્ષ
એક વર્ષ બાદ પણ પીડિત પરિવારોનો મુખ્ય પ્રશ્ન એ જ છે કે દુર્ઘટનાના સાચા કારણો અંગે સંપૂર્ણ સત્ય ક્યારે બહાર આવશે? વળતર અને કાયદાકીય પ્રક્રિયાઓ ક્યારે પૂર્ણ થશે? અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે શું પગલાં લેવામાં આવશે?
આજે પ્રથમ વરસી પર સમગ્ર ગુજરાત આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. પરંતુ ખેડા અને આણંદના અનેક પરિવારો માટે આ દિવસ માત્ર યાદોનો નથી, પરંતુ જીવનભર ન ભરાઈ શકે એવા ઘાવોને ફરી તાજા કરી દેનારો દિવસ છે. અગનગોળામાં ભસ્મીભૂત થયેલા સપનાઓની આ પીડા કદાચ સમય સાથે ધૂંધળી થશે, પરંતુ ક્યારેય ભૂંસાઈ નહીં.





