Ahmedabad Plane Crash: 12 જૂન 2025નો એ કાળમુખો દિવસ જે ક્યારેય નહીં ભૂલી શકાય. અમદાવાદમાં થયેલાં પ્લેશન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, એક વર્ષ વિતવા છતાં હજુ સુધી વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવ્યું નથી. પાઈલટ પર જ દોષારોપણ થઇ રહ્યું છે, કોઇ ચોક્કસ તપાસ કરીને જવાબદારી નક્કી કરાઈ નથી. જેને લઇને FIP એ પણ અનેક સવાલો ઉઠાવ્યાં છે. ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશનના પ્રમુખે બ્લેક બોક્સ, એન્જિન ડેટા અને તપાસની દિશા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. દુર્ઘટનાના સાચા કારણો શોધવાની માંગ તેજ બની છે.
અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દુર્ઘટનાએ માત્ર અનેક પરિવારોને અપૂર્ણીય નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ દેશની એવિએશન સલામતી વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાના એક વર્ષ બાદ પણ અંતિમ તપાસ અહેવાલ જાહેર ન થતાં અને પ્રાથમિક તારણોને લઈને વિમાનચાલક સમુદાયમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ જ સંદર્ભમાં ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશન (FIP) ના પ્રમુખ સી.એસ. રંધાવાએ કેટલાક મહત્વપૂર્ણ અને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
લંડન જવા નીકળેલો સાહિલ ક્યારેય પરત ન આવ્યો: એક વર્ષ પછી પણ પરિવારના ન્યાય માટે ધક્કા
ફ્યૂઅલ સ્વિચ થિયરીથી પાઈલટ પર દોષારોપણનો પ્રયાસઃ ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ:
રંધાવાનું મુખ્ય ધ્યાન બ્લેક બોક્સની તપાસ પ્રક્રિયા અને એન્જિન હેલ્થ ડેટાના વિશ્લેષણ પર કેન્દ્રિત છે. તેમના મતે, ભારત પાસે દિલ્હીમાં બ્લેક બોક્સ ડિકોડ કરવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેને બે વખત અમેરિકા મોકલવાની જરૂર શા માટે પડી તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ. તેઓ માને છે કે જો દેશ પાસે તકનિકી ક્ષમતા ઉપલબ્ધ હોય તો તપાસનો મહત્વનો ભાગ દેશમાં જ પૂર્ણ થવો જોઈએ, જેથી પારદર્શિતા અને વિશ્વસનીયતા બંને જળવાઈ રહે.
તપાસની દિશા અંગે પણ અનેક સવાલો
વિમાન દુર્ઘટનાઓની તપાસ હંમેશા અત્યંત જટિલ અને બહુસ્તરીય પ્રક્રિયા હોય છે. વિમાનની ડિઝાઇન, એન્જિન, કોમ્પ્યુટર સિસ્ટમ, ઓપરેશનલ પ્રક્રિયા અને માનવીય પરિબળો સહિત અનેક મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. રંધાવાના જણાવ્યા મુજબ અમદાવાદ દુર્ઘટનામાં સંકળાયેલા વિમાનના મુખ્ય ઘટકો બનાવતી કંપનીઓ અમેરિકાની હતી, છતાં પ્રાથમિક તપાસમાં આ કંપનીઓને લગભગ નિર્દોષ ઠેરવવામાં આવી હોવાનું જણાય છે. તેમણે દલીલ કરી કે દુર્ઘટનાનું મૂળ કારણ નક્કી કરતા પહેલા તમામ તકનિકી પુરાવાઓનું સઘન મૂલ્યાંકન થવું જોઈએ. જો શરૂઆતથી જ કેટલીક સંભાવનાઓને બાજુએ મૂકી દેવામાં આવે તો તપાસની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દો માત્ર એક અકસ્માત પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં વિમાન સલામતીના ધોરણો નક્કી કરવામાં પણ અસરકારક બની શકે છે.
લગ્નના 2 દિવસ બાદ જ ઊજડી ગઈ દુનિયા: પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરાનો પરિવાર આજે પણ જુએ છે ભાવિકની રાહ
એન્જિન હેલ્થ ડેટા બની શકે છે મહત્વપૂર્ણ કડી
આધુનિક વિમાનો સતત વિવિધ ટેકનિકલ પરિમાણોનું ડેટા પ્રસારિત કરતા રહે છે. તેમાં એન્જિનની કામગીરી, તાપમાન, દબાણ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમની સ્થિતિ અને અન્ય અનેક વિગતો સામેલ હોય છે. રંધાવાના જણાવ્યા મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એન્જિન હેલ્થ રિપોર્ટ સતત ઉત્પાદક કંપની અને એરલાઇન સુધી પહોંચતો હતો. તેઓ માને છે કે આ ડેટાનું સ્વતંત્ર અને વિગતવાર વિશ્લેષણ જરૂરી છે. જો એન્જિન અથવા અન્ય કોઈ સિસ્ટમમાં અગાઉથી કોઈ અસામાન્યતા નોંધાઈ હોય તો તે દુર્ઘટનાના કારણો સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આવા ડેટા જાહેર અથવા ઉપલબ્ધ થતાં તપાસ વધુ વિશ્વસનીય બની શકે અને પાયલોટની ભૂલ કે ટેકનિકલ ખામી વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ શકે.
પ્રેમલગ્નના ત્રણ મહિનામાં તૂટી પડ્યો કાળ: પ્લેન દુર્ઘટનાએ છીનવી લીધો જીવનસાથી, હવે વળતર અને ન્યાય માટે એકલી લડી રહી છે હેતલ
‘પાયલોટને દોષી ઠેરવતા પહેલાં ટેકનિકલ ખામી તપાસો’: અમદાવાદ ક્રેશ પર પાઈલોટ સંગઠનનો આક્ષેપ
વિશ્વભરના અનેક વિમાન અકસ્માતોની તપાસમાં એક સામાન્ય ચર્ચા એ રહેતી આવી છે કે અંતિમ જવાબદારી પાયલોટ પર મૂકવામાં આવે છે. રંધાવાએ પણ આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે ઘણી વખત પાયલોટ જીવિત ન હોવાના કારણે તેમની તરફથી કોઈ સ્પષ્ટીકરણ શક્ય બનતું નથી અને તપાસનો ભાર માનવીય ભૂલ તરફ વળી જાય છે. તેમણે બેંગ્લોર વિમાન દુર્ઘટનાનું ઉદાહરણ આપતાં કહ્યું કે શરૂઆતમાં પાયલોટને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા, પરંતુ પાછળથી અન્ય તકનિકી પરિબળો પણ સામે આવ્યા હતા. તેમના મતે, જો મૂળ ખામીઓ ઓળખવામાં આવે તો સમાન પ્રકારના વિમાનોમાં સુધારા લાવી શકાય અને જરૂરી હોય તો તે મોડલને અસ્થાયી રીતે ગ્રાઉન્ડ પણ કરી શકાય. આ પ્રક્રિયા ભવિષ્યમાં જાનહાનિ અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
"વાતોને વહેતી મૂકીને 'ચોરીને ચીકણું ન કરવું જોઈએ'": અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં પૂર્વ CM સ્વ. વિજય રૂપાણીના પુત્રનું ભાવુક નિવેદન
એક વર્ષ બાદ પણ અંતિમ અહેવાલની રાહ
દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં અંતિમ તપાસ અહેવાલ જાહેર ન થવો પણ ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે જટિલ તપાસમાં સમય લાગવો સ્વાભાવિક છે, પરંતુ લાંબા સમય સુધી અનિશ્ચિતતા રહેતાં પીડિત પરિવારો, એવિએશન નિષ્ણાતો અને જનતા વચ્ચે સવાલો ઊભા થાય છે. રંધાવાએ મૃતકોના પરિવારજનોને વળતર પ્રક્રિયા દરમિયાન કેટલીક શરતો મૂકવામાં આવતી હોવાના મુદ્દા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, વળતર અને કાનૂની હક્કો અલગ બાબતો છે અને કોઈપણ પીડિત પરિવારને ન્યાય મેળવવાના અધિકારથી વંચિત ન રાખવો જોઈએ.
ભવિષ્ય માટે શું શીખવાની જરૂર?
અમદાવાદ વિમાન દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી; તે ભારતની નાગરિક ઉડ્ડયન વ્યવસ્થા માટે એક પરીક્ષણ સમાન ઘટના છે. તપાસનો અંતિમ અહેવાલ માત્ર જવાબદારો નક્કી કરવા પૂરતો ન હોવો જોઈએ, પરંતુ તેમાંથી ભવિષ્ય માટેના પાઠ પણ બહાર આવવા જોઈએ. વિમાન સુરક્ષા ક્ષેત્રમાં પારદર્શિતા, ટેકનિકલ ડેટાની ઉપલબ્ધતા, સ્વતંત્ર તપાસ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રક્રિયા જ સૌથી મોટું સુરક્ષા કવચ બની શકે છે. જો દુર્ઘટનાના સાચા કારણો સુધી પહોંચવામાં સફળતા મળે તો તે હજારો મુસાફરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે.
અમદાવાદ દુર્ઘટનાની પ્રથમ વરસીએ ઉઠેલા સવાલો એ યાદ અપાવે છે કે કોઈપણ તપાસનો અંતિમ હેતુ દોષારોપણ નહીં પરંતુ સત્ય શોધીને આવનારા અકસ્માતો અટકાવવાનો હોવો જોઈએ. આ જ અભિગમ ભવિષ્યની ઉડ્ડયન સલામતી માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.






