Home Gujarat Ahmedabad Ahmedabad Plane Crash Anniversary Health Education Projects New Mental Campus

અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી : શહીદોની સ્મૃતિમાં 547 કરોડના આરોગ્ય અને શિક્ષણ પ્રોજેક્ટ્સ બનશે

પ્રોજેક્ટ્સ બનશે તેની પ્રતિકારાત્મક છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 12, 2026, 05:52 AM IST

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ તેમણે આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવવાના દુઃખમાંથી આજે પણ બહાર આવી શક્યા નથી. આવા સંજોગોમાં રાજ્ય સરકારે આ દુઃખદ ઘટનાના ઘાવોને વિકાસ અને જનકલ્યાણના સંકલ્પમાં પરિવર્તિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: પ્રેમલગ્નના ત્રણ મહિનામાં તૂટી પડ્યો કાળ : અમદાવાદ પ્લેન ક્રેશમાં છીનવાયો જીવનસાથી, હવે વળતર અને ન્યાય માટે એકલી લડી રહી છે હેતલ

દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર બનશે આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસમાં વિમાન દુર્ઘટનાથી અસરગ્રસ્ત અને નુકસાન પામેલી ઇમારતોને દૂર કરીને આધુનિક આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ વિકસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ સરકારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે તાત્કાલિક રહેઠાણ, ભોજન અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર આ સમગ્ર વિસ્તારને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિર તરીકે વિકસાવવાનો સંકલ્પ લઈને આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટનાની પીડાને માત્ર સ્મૃતિ સુધી મર્યાદિત રાખવાને બદલે તેને સમાજ માટે ઉપયોગી વિકાસકાર્યોમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યની પેઢીઓ માટે નવી તકોનું સર્જન થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ; તપાસ પર સવાલો : "દિલ્હીમાં વ્યવસ્થા છતાં બ્લેક બોક્સ ડિકોડ કરવા બે વાર USA કેમ મોકલાયું?"

રૂ. 295 કરોડના ખર્ચે બનશે પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ

સરકારના આયોજન મુજબ ન્યૂ મેન્ટલ કેમ્પસમાં પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 295 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને લગભગ 25,000 ચોરસ મીટર વિસ્તારનો ઉપયોગ થશે. રાજ્યમાં સ્પાઈન અને પુનર્વસન સારવાર ક્ષેત્રે આ એક અદ્યતન કેન્દ્ર તરીકે વિકસશે, જે દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે પણ વિશેષ સારવાર કેન્દ્ર બની શકે છે.

પી.જી. વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા

મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારી રહેઠાણ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મેરિડ પી.જી. વિદ્યાર્થીઓ માટે 510 યુનિટ ધરાવતા નવા હોસ્ટેલ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. જી પ્લસ 7 માળ ધરાવતા અંદાજે આઠ નવા હોસ્ટેલ બ્લોક્સ માટે રૂ. 192 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી મેડિકલ વિદ્યાર્થીઓને સુરક્ષિત અને આધુનિક રહેઠાણની સુવિધા મળશે, જે તેમના અભ્યાસ અને સંશોધન કાર્યમાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: લંડન જવા નીકળેલો સાહિલ ક્યારેય પરત ન આવ્યો : એક વર્ષ પછી પણ પરિવારના ન્યાય માટે ધક્કા

વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન અને નવી લેબોરેટરી

કેમ્પસમાં અભ્યાસ કરતા આશરે 800 વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન બિલ્ડિંગનું પણ નિર્માણ કરવામાં આવશે. જી પ્લસ 1 માળની આ નવી સુવિધા માટે રૂ. 10 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ઉપરાંત રાજ્યમાં ફૂડ અને ડ્રગ્સ પરીક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે NABL ધોરણોને અનુરૂપ અદ્યતન ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી પણ સ્થાપિત કરવામાં આવશે. જી પ્લસ 7 માળની આ લેબોરેટરી માટે અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

લગભગ 3,100 ચોરસ મીટર વિસ્તારમાં વિકસનારી આ લેબોરેટરીમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે રાજ્યમાં ખાદ્ય અને ઔષધોની ગુણવત્તા ચકાસણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: લગ્નના 2 દિવસ બાદ જ ઊજડી ગઈ દુનિયા : અમદાવાદ પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરાનો પરિવાર આજે પણ જુએ છે ભાવિકની રાહ

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા યુગની શરૂઆત

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ તમામ પ્રોજેક્ટ્સ પાછળ કુલ રૂ. 547 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાના ઘાવોને વિકાસના અવસરમાં પરિવર્તિત કરવાનો આ પ્રયાસ છે. આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના આ સંકલ્પ દ્વારા રાજ્યમાં આરોગ્ય સેવાઓ, સંશોધન અને મેડિકલ શિક્ષણને નવી દિશા મળશે.

અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસીએ એક તરફ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ તેમની સ્મૃતિને સમાજ માટે ઉપયોગી વિકાસકાર્યો સાથે જોડવાનો આ પ્રયાસ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now