Home Gujarat Jamnagar Bedi Area Encroachment Removal Drive Government Land

જામનગરમાં બુલડોઝર એક્શન : ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 16 કરોડની સરકારી જમીન કરાઈ દબાણમુક્ત

Jamnagar Bedi Area Demolition
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 12, 2026, 07:12 AM IST

Jamnagar Bedi Area Demolition: જામનગર શહેરમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બેડી વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અનેક ગેરકાયદે માળખાઓને દૂર કરીને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. તાજેતરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને જમીન પરના દબાણો સામે રાજ્યભરમાં કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે જામનગરમાં પણ બેડી વિસ્તારના પાણખાણ નજીક લાંબા સમયથી કરવામાં આવેલા ગેરકાયદે કબજાઓ સામે તંત્ર સક્રિય બન્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી અગાઉથી તૈયાર કરાયેલા આયોજનના આધારે હાથ ધરવામાં આવી હતી.

4 જેસીબી અને ભારે પોલીસ કાફલા સાથે કાર્યવાહી

દબાણ દૂર કરવાની કામગીરી માટે ચાર જેસીબી મશીનો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન મામલતદાર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી હતી. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરીને કારણે દબાણ દૂર કરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

સાયચા ગેંગના સભ્યો સાથે જોડાયેલા દબાણો પર તંત્રનું એક્શન

અધિકારીઓના જણાવ્યા મુજબ, બેડી વિસ્તારના પાણખાણ નજીક આવેલી સરકારી જમીન પર કરવામાં આવેલા અંદાજે આઠ ગેરકાયદે દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દબાણો સાયચા ગેંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. તંત્ર દ્વારા ગેરકાયદે માળખાઓને દૂર કરીને જમીનને ફરી સરકારી કબજામાં લેવામાં આવી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં મુખ્ય ચહેરો આવ્યો સામે: ગાંધીનગર સુધી પહોંચ્યો વિવાદ, અગ્રસચિવે માંગ્યો ખુલાસો

1.17 કરોડની જમીન તાત્કાલિક મુક્ત કરાઈ

પ્રારંભિક અંદાજ મુજબ આ કાર્યવાહીમાં આશરે 1 કરોડ 17 લાખ રૂપિયાની કિંમત ધરાવતી જમીન તાત્કાલિક ધોરણે મુક્ત કરાવવામાં આવી છે. જોકે સમગ્ર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વ્યાપ વધુ મોટો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, અગાઉ પણ ગયા વર્ષે આ વિસ્તારની આસપાસ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ફરીથી કબજાઓ ઉભા થતાં તંત્રને ફરી કાર્યવાહી કરવાની જરૂર પડી હતી.

કુલ 12,950 ચોરસ મીટર જમીન થઈ ખુલ્લી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર અભિયાન દરમિયાન કુલ 12,950 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. બજાર મૂલ્યના આધારે આ જમીનની અંદાજિત કિંમત આશરે 16 કરોડ રૂપિયા જેટલી હોવાનું માનવામાં આવે છે. તંત્રનું કહેવું છે કે, સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા અભિયાનો ચાલુ રહેશે. ગેરકાયદે કબજાઓ સામે કડક કાર્યવાહી કરીને જાહેર મિલકતોનું રક્ષણ કરવામાં આવશે.

અધિકારીઓનો સ્પષ્ટ સંદેશ

જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે. સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દબાણ હટાવ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ સતત પ્રક્રિયા તરીકે ચાલુ રહેશે. આ કાર્યવાહીએ એક વખત ફરી સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સંપત્તિ પર ગેરકાયદે કબજો કરનારાઓ સામે તંત્ર હવે વધુ કડક વલણ અપનાવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા અભિયાનો વધુ તેજ બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: સુરતમાં પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી કારમાંથી આવતી હતી દુર્ગંધ: ગાડીમાંથી કોહવાયેલી હાલતમાં મળી લાશ, 5 દિવસથી ગુમ હતો યુવક

પ્રાંત અધિકારીએ શું કહ્યું?

પ્રાંત અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જમીન દબાણમુક્ત કરાવીને સરકારના કબજામાં લેવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. બીજી તરફ જામનગરના એસપી ડો. રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યવાહી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર અભિયાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now