Home Gujarat Himmatnagar Bootlegger Controversy Pamphlets Thrown On Roads Police Questioned

હિંમતનગરમાં બુટલેગરોની ગેંગવોરનો નવો અધ્યાય : દારૂની બોટલો બાદ હવે રસ્તા પર ઉડાડાઈ પત્રિકાઓ, પોલીસ સામે ઉઠ્યા સવાલો

દારૂની બોટલો રસ્તા પર મુકાઈ હતી તેની છબી અને પત્રીકાઓ ઉડાડાઈ તેની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 12, 2026, 07:16 AM IST

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી બુટલેગરો વચ્ચે ચાલી રહેલી અદ્રશ્ય જંગ હવે જાહેર ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસો અગાઉ શહેરના પોશ વિસ્તારમાં જાહેર માર્ગ પર દારૂની બોટલો ગોઠવી દેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. હવે આ સમગ્ર વિવાદમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર અજાણ્યા શખ્સો દ્વારા મોટી સંખ્યામાં પત્રિકાઓ ફેંકી દેવામાં આવતા ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ત્રણ દિવસથી ચર્ચામાં રહેલા આ વિવાદમાં હવે રસ્તાઓ પર ફેંકાયેલી પત્રિકાઓએ નવો વિવાદ સર્જ્યો છે. પત્રિકાઓમાં કેટલાક અસામાજિક તત્વો અને કાયદાની મર્યાદાઓનો ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવાની ખુલ્લી માંગણી કરવામાં આવી છે. સાથે જ જિલ્લામાં વધી રહેલી કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી : ચારધામ યાત્રાથી પરત આવેલાં 51 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર

પત્રિકાઓમાં ગંભીર આક્ષેપો

રસ્તા પર ફેંકાયેલી પત્રિકાઓમાં હથિયારોના જાહેર પ્રદર્શન, ખોટા હોદ્દાઓનો ઉપયોગ, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોના ભવ્ય વરઘોડા અને ઉત્સવો જેવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. પત્રિકામાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક શખ્સો કાયદાનો કોઈ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.

આક્ષેપો અનુસાર, કાયદાની મજાક ઉડાવતી આવી પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં જવાબદાર એજન્સીઓ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આવા તત્વોના મનોબળમાં વધારો થયો હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

આ પણ વાંચો: ભરૂચના જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક : જૈન સંતે સ્થળને 'સમડી વિહાર' ગણાવ્યું, ભોંયરામાં પ્રવેશ ન મળતા ઉઠ્યા સવાલ

પોલીસની કામગીરી સામે પરોક્ષ સવાલો

પત્રિકાઓમાં સીધા નામોનો ઉલ્લેખ ન હોવા છતાં જિલ્લા પોલીસની કામગીરી સામે પરોક્ષ રીતે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ એવો સંકેત આપવામાં આવ્યો છે કે કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસ અત્યાર સુધી મૌન દર્શક બની રહી છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો સમયસર કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. પત્રિકાઓમાં જિલ્લા પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને કાયદાનો ભય સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભરૂચ ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો : પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા માર્યા અને પછી...!, સસરા સામે ગંભીર આક્ષેપ

અગાઉ પણ બન્યો હતો સમાન વિવાદ

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ વડાલી વિસ્તારમાં પણ અજાણ્યા શખ્સો દ્વારા દારૂ અને જુગારની કથિત "પરમિશન" અંગેની પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. તે ઘટનાએ પણ ભારે ચર્ચા જગાવી હતી અને પોલીસ તંત્ર માટે પડકારરૂપ પરિસ્થિતિ ઉભી કરી હતી. હવે હિંમતનગરમાં ફરી પત્રિકાઓનો સહારો લઈને કરવામાં આવેલા આક્ષેપો બાદ જિલ્લાભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

જિલ્લા પોલીસ માટે વધ્યો પડકાર

તાજેતરના બનાવો બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જિલ્લાની કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સામે નવા પડકારો ઉભા થયા છે. એક તરફ બુટલેગરો વચ્ચેની હરીફાઈના આક્ષેપો છે તો બીજી તરફ જાહેરમાં પત્રિકાઓ ફેંકી પોલીસ અને તંત્રને પડકારતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

હાલ આ પત્રિકાઓ કોણે ફેંકી અને તેના પાછળનો હેતુ શું હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે સમગ્ર ઘટનાએ જિલ્લા પોલીસ માટે ચિંતાનો વિષય ઊભો કર્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરીને જવાબદાર લોકો સુધી પહોંચે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now