Surat Demolition Case: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે હવે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ડિમોલિશન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્તોને ન્યાય અપાવવાની માંગ સાથે નાસીરનગર ખાતે 'જન ન્યાય પ્રતિક ધરણા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધરણા કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપરાંત પ્રદેશ કક્ષાના નેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ ડિમોલિશન કાર્યવાહી અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. બીજી તરફ ધરણા દરમિયાન એક વૃદ્ધ મહિલાની તબિયત લથડતા સમગ્ર ઘટનાએ વધુ ભાવનાત્મક વળાંક લીધો હતો.
કોંગ્રેસના ધરણામાં પ્રદેશ નેતાઓની હાજરી
નાસીરનગર ખાતે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પૂર્વ નગરસેવક અસ્લમ સાઇકલવાળા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ડિમોલિશન કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની પરિસ્થિતિ અને માનવતાના પાસાઓને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. ધરણા દરમિયાન અસરગ્રસ્તોને યોગ્ય વળતર, પુનર્વસન અને ન્યાય મળે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ધરણા દરમિયાન વૃદ્ધાની તબિયત લથડી
ધરણા પ્રદર્શન દરમિયાન એક ભાવુક ઘટના પણ સામે આવી હતી. નાસીરનગરમાં રહેતી અંદાજે 60 વર્ષીય સેહનાજબેનની તબિયત અચાનક લથડી ગઈ હતી. તેઓ બેભાન થઈ જતા સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર સેહનાજબેન છેલ્લા લગભગ 40 વર્ષથી નાસીરનગર વિસ્તારમાં રહેતા હતા.
આ પણ વાંચો: ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં મુખ્ય ચહેરો આવ્યો સામે: ગાંધીનગર સુધી પહોંચ્યો વિવાદ, અગ્રસચિવે માંગ્યો ખુલાસો
ડિમોલિશન બાદ બેઘર બન્યાનો પરિવારનો દાવો
સેહનાજબેનના પરિવારજનોનો દાવો છે કે, ડિમોલિશન બાદ તેઓ બેઘર બની ગયા છે અને હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ધરણા દરમિયાન તેમની દીકરીએ પણ પરિવારની હાલત અંગે વ્યથા વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ડિમોલિશન બાદ અનેક પરિવારો પર સીધી અસર પડી છે અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે તંત્રએ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ.
જીગ્નેશ મેવાણીનો તંત્ર પર આકરો પ્રહાર
બીજી તરફ સુરત ડિમોલેશન મામલે રાજકોટમાં મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સમગ્ર મામલે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મેવાણીએ કહ્યું હતું કે, જો પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને જ ખબર નથી કે તેમની નાક નીચે ડિમોલિશન કોણે કરાવ્યું, તો તે અત્યંત ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે, જો મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર ઘટનાની જાણ ન હોય તો તેમણે પોતાના પદ પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રાજકોટમાં વિવાદાસ્પદ તોડકાંડ સાથે જોડાયેલા કેટલાક પોલીસ કર્મચારીઓ હાલ સુરતમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડિમોલિશન દરમિયાન પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ થવી જોઈએ.
SIT અને CBI તપાસની માંગ
જીગ્નેશ મેવાણીએ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરતાં કહ્યું હતું કે, આ મામલાની તપાસ CBI અથવા નિષ્પક્ષ અને પ્રામાણિક અધિકારીઓની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરાવવી જોઈએ.
તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમ પાછળ જવાબદાર કોણ છે અને કાર્યવાહી કયા આદેશના આધારે કરવામાં આવી તે અંગે સત્ય બહાર આવવું જરૂરી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ડિમોલિશન મામલે હજુ અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો: સુરત ડિમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: ઘૂસપેઠ અને અતિક્રમણ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલો
વિવાદ વધુ ઘેરાવાની શક્યતા
નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી પરંતુ રાજકીય અને વહીવટી સ્તરે પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. કોંગ્રેસ દ્વારા સતત વિરોધ અને તપાસની માંગ વચ્ચે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર, મનપા તંત્ર અને તપાસ એજન્સીઓના આગામી પગલાં પર હવે તમામની નજર ટકેલી છે.





