Home Gujarat Surat Surat Utran Missing Youth Ravi Chaudhary Body Found In Car Decomposed Condition

સુરતમાં પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી કારમાંથી આવતી હતી દુર્ગંધ : ગાડીમાંથી કોહવાયેલી હાલતમાં મળી લાશ, 5 દિવસથી ગુમ હતો યુવક

Surat Crime News
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jun 12, 2026, 04:48 AM IST

Surat News: સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. પાંચ દિવસથી ગુમ રહેલા એક 28 વર્ષીય યુવકની લાશ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી કારમાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ઉત્રાણ વિસ્તારમાં રહેતા રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ છે, જે 6 જૂનથી ગુમ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિતની તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. યુવકનું મોત કઈ પરિસ્થિતિમાં થયું અને તે કારમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી.

કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા લોકોની શંકા સાચી પડી

મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સીની બહાર એક વેગનઆર કાર છેલ્લા કેટલાક દિવસોથી પાર્ક કરેલી હતી. મોડી રાત્રિના સમયે સ્થાનિક રહેવાસીઓએ કારની આસપાસથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું ધ્યાનમાં લીધું હતું. શંકા જતા કેટલાક લોકોએ કારની નજીક જઈને તપાસ કરતાં અંદર એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડેલો હોવાનું જણાયું. વધુ તપાસ કરતાં કારમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ઉત્રાણ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ખોલી તપાસ હાથ ધરી હતી. મૃતદેહની હાલત અત્યંત ખરાબ અને કોહવાયેલી હોવાથી મોતને બે-ત્રણ દિવસથી વધુ સમય વીતી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લંડન જવા નીકળેલો સાહિલ ક્યારેય પરત ન આવ્યો: એક વર્ષ પછી પણ પરિવારના ન્યાય માટે ધક્કા

6 જૂનથી ગુમ હતો રવિ ચૌધરી

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિ વાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રવિ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવાર છેલ્લા પાંચ દિવસથી તેની શોધખોળ કરી રહ્યો હતો. સંબંધીઓ, મિત્રો અને ઓળખીતાઓ સહિત વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. ત્યારે હવે રવિનો મૃતદેહ કારમાંથી મળી આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોત પાછળનું રહસ્ય ઉકેલવા પોલીસની તપાસ તેજ

યુવકનો મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી મોતનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકશે. હાલ પોલીસ કારની માલિકી, મૃતકના છેલ્લા દિવસોની હિલચાલ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે, રવિનું મોત સ્વાભાવિક રીતે થયું, તેણે આત્મહત્યા કરી કે પછી કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેની હત્યા કરીને મૃતદેહ કારમાં છુપાવ્યો હતો. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગથી દહેશત: જૂની અદાવતમાં હુમલો થયાની આશંકા, વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખુલશે સત્ય

હાલ સમગ્ર મામલો રહસ્યમય બની ગયો છે. યુવક પાંચ દિવસથી ગુમ હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ પોલીસ સ્ટેશન નજીક જ પાર્ક કરેલી કારમાંથી મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના આધારે જ મોતનું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now