Home Gujarat Vadodara Vadodara Kumbharwada Firing Case Police Detain Accused

વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગથી દહેશત : જૂની અદાવતમાં હુમલો થયાની આશંકા, વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Vadodara Kumbharwada Firing
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 12, 2026, 05:32 AM IST

Vadodara Kumbharwada Firing: વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સવારે આશરે 3:30 વાગ્યે રામરાજ હોટેલ નજીક એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ફાયરિંગની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જોકે રહેણાંક વિસ્તારની નજીક ગોળીબાર થતાં સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂની અંગત અદાવતને લઈને ફાયરિંગ થયાની પ્રાથમિક આશંકા

પોલીસના પ્રાથમિક તારણ મુજબ આ ઘટના પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોઈ શકે છે. ફરિયાદી સાજિદ શેખે સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આરોપીઓ જૂના વિવાદના કારણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ ફાયરિંગની ઘટના બની હતી. ફરિયાદીનો એવો પણ દાવો છે કે, ઘટનાસમયે આરોપીઓ નશાની હાલતમાં હતા. તેમના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું જ્યારે તેની સાથે પાંચથી સાત જેટલા અન્ય સાગરીતો પણ હાજર હતા. પોલીસ હાલ ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોની ચકાસણી કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી: દક્ષિણ ગુજરાતથી થઇ શકે છે મેઘરાજાની એન્ટ્રી, જાણો ક્યાં પડી શકે છે વરસાદ

આરોપીને ડિટેઈન કરી પોલીસે શરૂ કરી તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ડીસીપી ઝોન-4ના જણાવ્યા મુજબ, ફાયરિંગની માહિતી મળ્યા બાદ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને એક આરોપીને ડિટેઈન કરવામાં આવ્યો છે. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ ફૂટેજના આધારે ઘટનાક્રમ અને આરોપીઓની હિલચાલ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: લગ્નના 2 દિવસ બાદ જ ઊજડી ગઈ દુનિયા: પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરાનો પરિવાર આજે પણ જુએ છે ભાવિકની રાહ

વિસ્તારમાં વધારાયો પોલીસ બંદોબસ્ત

ફાયરિંગની ઘટનાને પગલે કુંભારવાડા વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓમાં પણ ઘટનાને લઈને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને નાગરિકોએ અફવાઓથી દૂર રહેવાની જરૂર છે. ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now