NO DRUGS IN CITY: સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી બિકાસ તુલુ પ્રધાનને દબોચી લીધો છે. પોલીસ તંત્ર દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, ગત જાન્યુઆરી મહિનામાં કાપોદ્રા વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો પકડાયો હતો, ત્યારથી આ આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને આરોપીના ચોક્કસ લોકેશનની માહિતી મેળવી હતી. આ ધરપકડથી સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે, શહેરમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
કાસાનગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાપોદ્રાના ગુનામાં વોન્ટેડ આરોપી બિકાસ પ્રધાન કાસાનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. જેવો જ આરોપી નિર્દિષ્ટ સ્થળે દેખાયો કે તરત જ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ધરપકડથી બચવા માટે પોતાના રહેઠાણો બદલી રહ્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા સામે તેની ચાલાકી કામ આવી નહોતી.
આ પણ વાંચો: સુરતમાં ATMમાં સ્વાઈપ મશીનથી ડેટા ચોરી : 6 વર્ષથી ફરાર ભેજાબાજ હરિયાણાથી ઝડપાયો
શું હતો સમગ્ર મામલો? ૩ કિલોથી વધુ ગાંજો પકડાયો હતો
આ સમગ્ર પ્રકરણની શરૂઆત 28 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીરામ નગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી 3 કિલો 166 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 31,660 જેટલી થતી હતી. આ સાથે અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. 33,958નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આ મકાન બિકાસ તુલુ પ્રધાને ભાડે રાખ્યું હતું અને તે જ અહીંથી ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ





