બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. 
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે. આજરોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તથા 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. વહીવટી તંત્રએ 1 લાખ પાણીની બોટલ તૈયાર કરીને વિતરણ કામગીરી ચાલી રહી છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગઇકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે 3000 થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.
આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલેકટરના નેજા હેઠળ વહીવટી તંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન થરાદ ખાતે 2 ઇંચ, વાવમાં 1.60 ઇંચ જ્યારે ભાભરમાં 5.28 ઇંચ તથા સુઈગામમાં નિહવત જેવો વરસાદ નોંધાયો છે.






