Gujarat Population Census Postponed: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છવાયેલો છે. રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિ બનાવીને ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેવાની છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ તમામ રાજકીય ધમાચકડીની વચ્ચે સરકરે એક સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણીઓના માહોલમાં કોઈપણ પ્રકારની અડચણ ન ઉભી થાય તે આશયથી હાલ ગુજરાતમાં થનારી વસ્તી ગણતરીને પાછી છેલવાનો નિર્ણય લેવાયો છે. નવી તારીખ હવે પછી જાહેર થશે.
ઉલ્લેખનીય છેકે, આગામી 5 મી એપ્રિલથી ગુજરાતમાં વસતી ગણતરીની શરૂઆત થવાની હતી. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પુરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પહેલાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર, શિક્ષકો અને સરકારી કર્મચારીઓની મોટી સંખ્યામાં ફરજ લગાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જનગણના જેવી વિશાળ કામગીરી માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ ન રહેતા, સરકારે જનગણના પ્રક્રિયા હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી તંત્ર પરનો દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે.
જનગણના શા માટે મહત્વપૂર્ણ છે?
જનગણના દેશ અને રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં લોકોની સંખ્યા, વય, શિક્ષણ, રોજગાર સહિતના અનેક આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીના આધારે સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે અને વિકાસ માટેના નિર્ણયો લે છે. તેથી જનગણનામાં વિલંબ થવાથી કેટલીક યોજનાઓના આયોજન પર અસર પડી શકે છે.
અગાઉ પણ થઈ ચુકી છે મુલતવી
જનગણના પ્રક્રિયા અગાઉ પણ વિવિધ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરી એકવાર ચૂંટણીને કારણે આ કામગીરી અટકાવવામાં આવી છે, જે દર્શાવે છે કે વહીવટી તંત્ર પર કેટલો ભાર છે. ચૂંટણી જેવી મોટી પ્રક્રિયા દરમિયાન તમામ સંસાધનો ત્યાં કેન્દ્રિત કરવાના હોય છે, જેના કારણે અન્ય કામગીરી પાછળ ધકેલાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?
આગળ ક્યારે થશે જનગણના?
હાલમાં જનગણના માટે નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ કામગીરી ફરી શરૂ થવાની શક્યતા છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન સાથે જનગણના ફરી શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામાન્ય નાગરિકો પર શું અસર?
જનગણના મુલતવી રહેતાં સીધી અસર સામાન્ય નાગરિકો પર તાત્કાલિક રીતે દેખાતી નથી, પરંતુ લાંબા ગાળે તેનો પ્રભાવ પડી શકે છે. વસ્તી ગણતરી એટલેકે, જનગણના બાકી હોવાથી તેનો ખુબ મોટો પ્રભાર દેશભરના લોકોના જીવન પર પડી શકે છે. ખાસ કરીને સરકારની નવી યોજનાઓમાં વિલંબ થઇ શકે છે. વિકાસના આંકડાઓ અપડેટ ન થવા જેવા પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા લેવામાં આવતા નીતિગત નિર્ણયોમાં મોડું થઈ શકે છે. આથી, જનગણના માત્ર એક પ્રક્રિયા નથી પરંતુ તે સમગ્ર વિકાસ સાથે જોડાયેલી છે.
આ પણ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?
આ નિર્ણય રાજ્યના વહીવટી આયોજન અને પ્રાથમિકતાઓને દર્શાવે છે. ચૂંટણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે અન્ય મહત્વપૂર્ણ કામગીરી પાછળ ધકેલાઈ છે. તંત્ર પર વધતો ભાર સ્પષ્ટ થાય છે. આથી, જનગણના મુલતવી રાખવાનો નિર્ણય માત્ર એક વહીવટી પગલું નહીં પરંતુ રાજ્યની કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ પણ છે.





