Home Gujarat Banaskantha Suffers Damage Due To Heavy Rains

બનાસકાંઠામાં જગતના તાત પર કહેર બનીને વરસ્યો વરસાદ! : ખેતરો ફેરવાયા બેટમાં, ખેતી પાકનો વાળ્યો સોથ, જળબંબાકાર...

બનાસકાંઠામાં જગતના તાત પર કહેર બનીને વરસ્યો વરસાદ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Sep 09, 2025, 10:56 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પડેલા 16 થી 17 ઈંચ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ''બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર તાત્કાલિક કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે, ''વિધાનસભા અધ્યક્ષ શકર ચૌધરીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો જાતે અનુભવ કરી, મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપ આપવા માટે સૂચનાઓ આપવામાં આવી''.

ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક ગામડાઓમાં લોકો ફસાઈ ગયા હતા. થરાદ અને વાવ પંથકમાં પોલીસ વિભાગ દ્વારા લોકસેવા કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલા પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ પાણીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે મળીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ફૂડ પેકેટ્સનું વિતરણ પણ કર્યું હતું

પરિવાર નોધારો બન્યો!

ભાભરના ઊચોસણ વિસ્તારમાં એક ખેડૂતના ઘરમાં અચાનક પાણી ઘૂસી જતા આખો પરિવાર નોધારો બની ગયો. ચારેય તરફથી પાણી ઘૂસતા ખેતરમાં આવેલા મકાનમાં ઘરવખરી અને ખેતરમાં વાવેલા પાકને ભારે નુકસાન થયું. રાત્રિના સમયે પાણી ઘરમાં ઘૂસી આવતા પરિવાર તાત્કાલિક પોતાની જાતને બચાવી નજીકના લોકોના ઘરે આશરો લેવા મજબૂર બન્યો. આ ઘટનામાં વધુ દુઃખદ વાત એ રહી કે વીજ થાંભલા પડવાના કારણે ખેડૂતના ઘરના છાપરાના પતરા તૂટી પડ્યા અને તેમાં એક પશુનું કરુણ મોત પણ નિપજ્યું.

133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

જિલ્લા યુ.જી.વી.સી.એલ પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 9 સપ્ટેમ્બર 2025ના સવારના 10 વાગ્યા સુધી 297 અસરગ્રસ્ત વિસ્તાર પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. બાકીના 164 ગામડાઓમાં વીજ પુરવઠાને કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છે.

3000 થી વધુ લોકોને ભોજન પૂરું પાડવાની કામગીરી

ગઇકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now