Ahmedabad News: ગુજરાતમાં એક તરફ દારૂબંધીના કાયદાના કડક અમલની વાતો કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ વગદાર લોકો માટે જાણે અહીં કોઇ કાયદો લાગૂ નથી પડતો. ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે હાલ ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના મ્યુનિસપલ કાઉન્સિલરના જન્મ દિવસે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટીનો વીડિયો અને તસવીરો સામે આવતા ફરી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર સની ખાનચંદાનીનો દારૂ પાર્ટીનો વીડિયો અને તસવીરો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.
ગુજરાતમાં સરકારી સ્તરે કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં સત્તાધારી પક્ષના જ લોકપ્રતિનિધિ દ્વારા કાયદાની ઐસીતૈસી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ભાજપ કાઉન્સિલર સની ખાનચંદાનીના જન્મદિવસ નિમિત્તે એક ફાર્મ હાઉસમાં યોજાયેલી દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વિગતવાર સમાચાર મુજબ, અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકેલા ભાજપ કાઉન્સિલર સની ખાનચંદાની આ વાયરલ વીડિયોમાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. જે પક્ષના હાથમાં સત્તાની દોર છે, તેના જ જવાબદાર કાઉન્સિલરનો આવો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઘટનાને પગલે વિપક્ષોને પણ બેઠા થવાનો મોકો મળ્યો છે અને રાજ્યમાં માત્ર કાગળ પર જ દારૂબંધી હોવાના આક્ષેપો ફરી તેજ બન્યા છે.

4 જુલાઈએ ફાર્મ હાઉસમાં જામી જન્મદિવસની મહેફિલ
મળતી માહિતી મુજબ, ગઈકાલે ૪થી જુલાઈએ ભાજપ કાઉન્સિલર સની ખાનચંદાનીના જન્મદિવસ નિમિત્તે એક ફાર્મ હાઉસમાં ખાસ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ વાયરલ વીડિયોમાં કાઉન્સિલર સની અને તેમના અંગત મિત્રો કાયદાના કોઈ પણ ડર વિના ખુલ્લેઆમ દારૂ અને બીયરની બોટલો સાથે મહેફિલ માણતા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયા છે.

કાઉન્સિલર સની ખાનચંદાનીનો વિવાદો સાથે જૂનો નાતો
નોંધનીય છે કે, સરદારનગરના કાઉન્સિલર સની ખાનચંદાની અગાઉ પણ અનેક વખત આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને દારૂ-બીયરની બોટલો સાથેના ફોટોગ્રાફ્સ વાયરલ થવાને કારણે વિવાદોમાં આવી ચૂક્યા છે. જૂના વિવાદોમાંથી બોધપાઠ લેવાને બદલે નેતાજી ફરી એકવાર દારૂ પાર્ટી કરતા પકડાતા ભાજપની શિસ્ત અને નૈતિકતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા સની ખાનચંદાની
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયાને લઈને ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં ભાજપના કાઉન્સિલર સની ખાનચંદાની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ વિવિધ કારણોસર તેઓ ચર્ચામાં આવ્યા હતા, જેના કારણે આ વીડિયો સામે આવ્યા બાદ ફરી રાજકીય ચર્ચાઓને વેગ મળ્યો છે. જો વીડિયો અને તેમાં કરાયેલા દાવાઓની સત્તાવાર તપાસ થાય અને સંબંધિત એજન્સીઓ દ્વારા કોઈ હકીકતો સામે આવે, તો સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ સુધી પોલીસ અથવા સંબંધિત વિભાગ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું હોવાની માહિતી ઉપલબ્ધ નથી.
દારૂબંધીના અમલ અંગે ફરી ઉઠ્યા સવાલ
ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો અમલમાં છે અને રાજ્ય સરકાર સમયાંતરે તેના કડક અમલનો દાવો કરતી રહી છે. તેમ છતાં સમયાંતરે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કથિત દારૂ પાર્ટી, દારૂની હેરાફેરી અથવા દારૂ જપ્તીના બનાવો સામે આવતા રહેતા હોવાથી દારૂબંધીના અસરકારક અમલ અંગે સવાલો ઊભા થતા રહે છે. આ તાજા વાયરલ વીડિયાને લઈને પણ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જોકે, માત્ર વાયરલ વીડિયો અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને અધિકૃત નિવેદન બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
જોકે, વાયરલ વીડિયો અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટી કે કોઈ નિવેદન સામે આવ્યું નથી. જો પોલીસ અથવા અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આ વીડિયાની તપાસ શરૂ કરવામાં આવશે અથવા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે, તો તે બાદ જ આ મામલે વધુ સ્પષ્ટ માહિતી સામે આવવાની શક્યતા છે.






