મહેસાણા જિલ્લાના દૂધ સાગર ડેરી ખાતે રવિવારે આતંકવાદી હુમલા જેવી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે વિશેષ મોકડ્રિલ યોજવામાં આવી હતી. સુરક્ષા દળોની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત આ અભ્યાસ દરમિયાન આતંકવાદી ઘૂસણખોરી અને બંધક બનાવવાની પરિસ્થિતિનું વાસ્તવિક દૃશ્ય સર્જવામાં આવ્યું હતું.
મોકડ્રિલ દરમિયાન ત્રણ 'આતંકવાદીઓ' દૂધ સાગર ડેરીના પરિસરમાં ઘૂસ્યા હોવાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. અભ્યાસના ભાગરૂપે ત્રણ કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા, જેથી સુરક્ષા દળો આવી ગંભીર પરિસ્થિતિમાં કેવી રીતે કાર્યવાહી કરે છે તેનું પ્રદર્શન કરી શકાય.
ચેતક કમાન્ડો સહિત અનેક એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન કર્યું
ઘટનાની માહિતી મળતાં જ ચેતક કમાન્ડો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંકલિત રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઓપરેશન શરૂ કર્યું હતું. મોકડ્રિલના દૃશ્ય મુજબ ચેતક કમાન્ડોએ વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરી અને 'ઝીરો કેઝ્યુઆલિટી' સાથે ત્રણેય 'આતંકવાદીઓને' નિષ્ક્રિય કર્યા હતા. ત્યારબાદ બંધક બનાવાયેલા ત્રણેય કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
સંકટ સમયે કેવી રીતે રાખવી સાવચેતી તે અંગે માર્ગદર્શન
મોકડ્રિલ પૂર્ણ થયા બાદ પોલીસ અધિકારીઓએ ડેરીના કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોને સંભવિત આતંકવાદી હુમલા અથવા અન્ય ગંભીર સુરક્ષા સંકટ સમયે કેવી રીતે સતર્ક રહેવું, શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને સુરક્ષા એજન્સીઓના સૂચનોનું પાલન કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આવા અભ્યાસોનો મુખ્ય હેતુ સુરક્ષા દળોની ઓપરેશનલ તૈયારીની ચકાસણી, પ્રતિસાદ સમય સુધારવો અને વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરવાનો છે.
આ પણ વાંચો: વડોદરાના ડભોઇમાં કાળ બનીને ત્રાટક્યો મગર! : ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહેલા વૃદ્ધને ફાડી ખાતા કરુણ મોત
મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા પ્રયાસ
દૂધ સાગર ડેરી જેવી મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને જાહેર ઉપયોગની સંસ્થાઓમાં સમયાંતરે આવી મોકડ્રિલ યોજવામાં આવે છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષા તંત્ર ઝડપથી અને અસરકારક રીતે પ્રતિસાદ આપી શકે.
આ અભ્યાસ દ્વારા સુરક્ષા દળોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્યમાં આવી કોઈ વાસ્તવિક પરિસ્થિતિ સર્જાય તો જાનહાનિ ટાળી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે જરૂરી તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.





