Home Gujarat Kalol New Court Advocate Complex Bhoomipujan Gujarat

કલોલમાં ₹49 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલ : ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કરી મોટી જાહેરાત

Kalol Court Complex
Published by: Suman Dabhi
Last Updated: Jul 05, 2026, 08:04 AM IST

Kalol Court Complex: ગાંધીનગર જિલ્લાના કલોલમાં રૂ. 49 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક તાલુકા કોર્ટ અને એડવોકેટ સંકુલના નિર્માણ માટે રવિવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલની અધ્યક્ષતા અને રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યાયિક માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય ઉપલબ્ધ કરાવવાની સરકાર અને ન્યાયતંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશનું શ્રેષ્ઠ

કાર્યક્રમને સંબોધતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે માત્ર ભવ્ય ઇમારતો બનાવવાથી ન્યાય પૂર્ણ થતો નથી, પરંતુ અસરકારક, ઝડપી અને સુલભ ન્યાયિક વ્યવસ્થા જ સાચા અર્થમાં ન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે હાઇકોર્ટના મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય મુજબ હવે રાજ્યમાં જ્યાં પણ નવા કોર્ટ સંકુલનું નિર્માણ થશે ત્યાં વકીલો માટે અલગ અને તમામ સુવિધાઓથી સજ્જ એડવોકેટ બિલ્ડિંગનું નિર્માણ ફરજિયાત કરવામાં આવશે. આ પગલાથી વકીલોને વધુ સુવિધાજનક કાર્યસ્થળ મળશે અને ન્યાયિક પ્રક્રિયા વધુ અસરકારક બનશે. મુખ્ય ન્યાયમૂર્તિએ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી હર્ષ સંઘવીના સહયોગની પ્રશંસા કરતાં જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત હાઇકોર્ટની દરખાસ્તોને સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે, જેના કારણે આજે ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર દેશમાં શ્રેષ્ઠ ગણાય છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે નવું ન્યાય સંકુલ

કલોલમાં બનનાર નવા ન્યાયિક સંકુલનું નિર્માણ હાઇકોર્ટના મોડલ પ્લાન મુજબ કરવામાં આવશે. G+6 માળના મુખ્ય કોર્ટ બિલ્ડિંગ ઉપરાંત વકીલો માટે અલગ પાર્કિંગ સાથે છ માળનું એડવોકેટ બિલ્ડિંગ પણ તૈયાર થશે. આ સંકુલમાં મધ્યસ્થતા કેન્દ્ર (મિડિએશન સેન્ટર), ફાઇલિંગ સેન્ટર, કોન્ફરન્સ હોલ, જાહેર સુવિધા કેન્દ્ર, લાઇબ્રેરી, વકીલોના ચેમ્બર્સ સહિતની આધુનિક અને ટેક્નોલોજી આધારિત તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી અરજદારો અને વકીલોને એક જ સ્થળે વધુ સારી સેવાઓ મળી શકશે.

મધ્યસ્થતા દ્વારા ઝડપી ન્યાય પર વિશેષ ભાર

મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે ન્યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિ એટલે કે મિડિએશન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કલોલ બાર એસોસિએશનના આશરે 450 વકીલોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) સાથે સંકલન કરીને મધ્યસ્થતા માટે વિશેષ તાલીમ મેળવવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ દરેક તાલુકામાં સક્ષમ અને સંપૂર્ણ સુવિધાસભર મિડિએશન સેન્ટર હોવું જોઈએ જેથી સામાન્ય નાગરિકોને લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી રાહત મળે અને વિવાદોનો ઝડપી અને સહમતી આધારિત ઉકેલ મળી શકે.

મજબૂત ન્યાયતંત્ર લોકશાહીનો આધારસ્તંભ: કૌશિક વેકરીયા

રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે આજનો કાર્યક્રમ માત્ર એક નવા ભવનના ભૂમિપૂજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ કરોડો નાગરિકોના ન્યાયતંત્ર પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે જેમ મજબૂત રસ્તાઓ વિકાસને ગતિ આપે છે તેમ મજબૂત ન્યાયિક સંસ્થાઓ સમાજમાં વિશ્વાસ અને સ્થિરતા ઉભી કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોને શ્રેષ્ઠ ન્યાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે ટેક્નોલોજી આધારિત આ નવું સંકુલ ન્યાયિક કામગીરીને વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કલોલ માટે ઐતિહાસિક ક્ષણ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તથા ગાંધીનગર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ નીરલ આર. મહેતાએ જણાવ્યું કે વકીલાતની શરૂઆત કરેલા સ્થળે આજે નવા ન્યાયિક સંકુલના ભૂમિપૂજન પ્રસંગે હાજર રહેવું તેમના માટે અત્યંત યાદગાર ક્ષણ છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આશિષ મલ્હોત્રાએ જણાવ્યું કે આ સંકુલ માત્ર એક બાંધકામ નહીં પરંતુ સામાન્ય નાગરિકને સુલભ અને સમયસર ન્યાય આપવાની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે.

આ પણ વાંચો: 'આ છે ભારતની સાચી તાકાત' : સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કામ કરતી યુવાશક્તિના વખાણ કરતાં PM મોદીએ કર્યું ટ્વિટ

શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે?

કલોલમાં બની રહેલું આ અત્યાધુનિક ન્યાયિક સંકુલ માત્ર એક નવી ઇમારત નથી પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની ન્યાયિક વ્યવસ્થાને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સુવિધાઓ, અલગ એડવોકેટ બિલ્ડિંગ અને મિડિએશન સેન્ટર જેવી વ્યવસ્થાઓથી અરજદારોને ઝડપી અને વધુ સુલભ ન્યાય મળી શકશે. રાજ્ય સરકાર અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત પ્રયાસોથી ઉભું થતું આ સંકુલ આગામી વર્ષોમાં ન્યાયિક સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now