Home Gujarat Ahmedabad Gandhinagar Ahmedabad Cable Stayed Flyover Bhat Circle Inauguration

CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 175 કરોડના આધુનિક ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ : ભાટ સર્કલ પર રાજ્યનો પ્રથમ કેબલ-સ્ટેડ ફ્લાયઓવર ખુલ્લો, ટ્રાફિકને મળશે મોટી રાહત

cm bhupendra patel
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 06:48 AM IST

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લોકોને સમર્પિત કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર ભાટ સર્કલ ખાતે રાજ્યના શહેરી વિસ્તારમાં નિર્માણ પામેલા પ્રથમ કેબલ-સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા હાલના 6 લેન બ્રિજને 12 લેનમાં વિસ્તૃત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના સંયુક્ત સહયોગથી તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ગાંધીનગર-અમદાવાદ કોરિડોરના ટ્રાફિક મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રૂ. 175 કરોડના ખર્ચે તૈયાર થયો આધુનિક ફ્લાયઓવર

ભાટ સર્કલ પર નિર્માણ પામેલો કેબલ-સ્ટેડ ફ્લાયઓવર અંદાજે 1.48 કિલોમીટર લાંબો છે અને તેના નિર્માણ પાછળ અંદાજે રૂ. 175 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિસ્તારમાં આ પ્રકારનો પ્રથમ કેબલ-સ્ટેડ ફ્લાયઓવર હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

આ પ્રોજેક્ટનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ તથા AUDA દ્વારા 50-50 ટકાની ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. આધુનિક એન્જિનિયરિંગ ટેક્નોલોજીથી તૈયાર કરાયેલો આ ફ્લાયઓવર માત્ર ટ્રાફિકની સુવિધા જ નહીં, પરંતુ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નવી ઓળખ ઉમેરશે.

ભાટ સર્કલના ટ્રાફિક જામમાંથી મળશે રાહત

ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતો માર્ગ રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક છે. ભાટ સર્કલ મુખ્ય જંક્શન હોવાથી અહીં રોજિંદા ટ્રાફિકના ભારે દબાણને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હતો. સરકારી માહિતી અનુસાર, ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગ રોડ પર મળીને દરરોજ અંદાજે 1.93 લાખથી વધુ વાહનોની અવરજવર થાય છે. નવા ફ્લાયઓવર કાર્યરત થતાં અમદાવાદ-ગાંધીનગર તરફ જતો ટ્રાફિક ફ્લાયઓવર પરથી પસાર થશે, જ્યારે એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક ફ્લાયઓવરની નીચેથી પસાર થશે. ટ્રાફિકના બે અલગ સ્તર સર્જાતા વાહનોની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. વડોદરા અને સુરત તરફ જતાં વાહનો માટે પણ ત્રણ-ત્રણ લેનના એમ કુલ છ લેનના અલગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે, જેનાથી લાંબા અંતરના વાહનવ્યવહારને પણ સરળતા મળશે.
નર્મદા કેનાલ પરનો બ્રિજ બનશે 12 લેનનો

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા હાલના 6 લેન બ્રિજને 12 લેનમાં વિસ્તૃત કરવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે અંદાજે રૂ. 48 કરોડ ફાળવ્યા છે. હાલના બ્રિજની બંને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજ બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સમગ્ર કોરિડોરમાં સતત 6 લેનની અવરજવર ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યમાં વધતા વાહનવ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે. સરકારના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણથી ટ્રાફિક જામના કારણે સર્જાતી 'બોટલનેક' જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાહનચાલકોનો સમય તેમજ ઇંધણ બંનેની બચત થશે.

આ પણ વાંચો: ખેડૂતોના હક્કને મળ્યો સરકારનો સાથ : 24 કલાકમાં જ જાહેર થયો વળતરનો પરિપત્ર

અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના વિકાસને મળશે વેગ

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો માર્ગ રાજ્યના સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને વહીવટી કોરિડોર તરીકે ઓળખાય છે. એરપોર્ટ, ગાંધીનગરના સરકારી કાર્યાલયો, ગિફ્ટ સિટી અને ઉત્તર ગુજરાત તરફ જતાં વાહનો માટે આ માર્ગ મુખ્ય કડી છે. નવા ફ્લાયઓવર અને ભાવિ 12 લેન બ્રિજ પ્રોજેક્ટથી માત્ર ટ્રાફિક સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ સમગ્ર કોરિડોરના શહેરી વિકાસ, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીને પણ નવી ગતિ મળશે. લોકાર્પણ સમારોહમાં સાંસદ હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્યો રીટાબહેન પટેલ અને અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, માર્ગ અને મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલિયા સહિત વિવિધ આગેવાનો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now