Home Gujarat Amreli Heavy Rain Khambha 8 Inch Raydi Dam Overflow July 2026

અમરેલી જિલ્લામાં મેઘરાજાનો કહેર : ખાંભામાં 8 ઇંચ વરસાદ; રાયડી ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ બે કાંઠે

અરમેલીમાં વરસાદ
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 06:08 AM IST

અમરેલી જિલ્લામાં ચોમાસાએ રવિવારે જોરદાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા અને ગીર પંથક સહિતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે ખાંભા પંથકની જીવાદોરી ગણાતો રાયડી ડેમ-1 પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે તંત્રએ ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલી પાણીની નિયંત્રિત છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ભારે વરસાદ બાદ ડેમના હેઠવાસમાં આવેલા નાગેશ્રી, ચોત્રા, બારમણ સહિત નદીકાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રએ ગ્રામજનોને નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

ખાંભામાં 8 ઇંચ વરસાદ, ઝુંડિયો નદી 20 વર્ષ બાદ બે કાંઠે

અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાંભા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 8 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું છે. ગીર પંથકના ત્રાકુંડા ગામમાં અનરાધાર વરસાદને કારણે ઝુંડિયો નદીમાં જોરદાર પૂર આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે બે દાયકાં બાદ ઝુંડિયો નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી.

સાવરકુંડલા બાદ ગીર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી જળાશયો અને ચેકડેમોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠે 5 દિવસ હાઈ એલર્ટ : 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

રાજુલા અને જાફરાબાદમાં પાણી-પાણીની સ્થિતિ

રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. પીપાવાવ પોર્ટ તરફ જતાં મુખ્ય માર્ગ પર આશરે બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. વિકટર, ડુંગર, માંડળ, છતડીયા, ભેરાઈ, રામપરા સહિતના ગામોમાં પણ ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. વઢેરા, કડિયાળી, નાગેશ્રી, હેમાળ સહિતના અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. એક તરફ વરસાદને કારણે ખેડૂતોમાં વાવણી માટે આશા જાગી છે તો બીજી તરફ કેટલાક નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાનની પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે.

બગસરામાં માત્ર બે કલાકમાં 23 મીમી વરસાદ

બગસરા શહેરમાં રવિવારે સવારે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 23 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો અને કેટલીક શાળાઓની આસપાસ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક થઈ હતી. લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

સાવરકુંડલામાં પાણીમાં ફસાયેલી કારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદ વચ્ચે સાવરકુંડલા તાલુકાના કેરાળા-જૂનાસાવર કોઝવે પર એક ઇકો કાર પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં કુલ સાત મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

સતત ત્રણ કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ ફાયર વિભાગે તમામ સાત મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે આ સફળ બચાવ કામગીરીએ મોટી દુર્ઘટના ટાળી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે : 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ

તાલુકાવાર વરસાદના આંકડા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ પ્રાથમિક માહિતી મુજબ ખાંભામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજુલામાં 7 ઇંચ, જાફરાબાદ અને સાવરકુંડલામાં 4-4 ઇંચ, ધારીમાં 2 ઇંચ, બગસરા અને લાઠીમાં 2-2 ઇંચ, અમરેલી શહેરમાં અંદાજે 1.5 ઇંચ તેમજ બાબરા અને કુકાવાવ-વડિયામાં આશરે 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર ન કરવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now