ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
સરકારી આંકડા મુજબ, 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં 7 ઇંચ નોંધાયો હતો. નવસારી જિલ્લાના ગણદેવીમાં 6 ઇંચ જ્યારે નવસારીના ચીખલી અને અમરેલીના રાજુલામાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે અનેક ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠે 5 દિવસ હાઈ એલર્ટ : 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ
5 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
6 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 6 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે અને આ જિલ્લાઓ માટે ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
7 જુલાઈએ નવસારી અને વલસાડમાં સૌથી વધુ ચિંતા
7 જુલાઈએ વરસાદનું જોર મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત રહેવાની શક્યતા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
8 અને 9 જુલાઈ દરમિયાન વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી શક્યતા છે, પરંતુ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ યથાવત રહેશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદથી માંગરોળ બેટમાં ફેરવાયું! : સ્થાનિકોએ રડીને જણાવી આપવીતી, કહ્યું- 'હવે છોકરાઓને શું ખવડાવવું અને ક્યાં જવું એ સમજાતું નથી'
દરિયામાં ઊંચા મોજાંની આગાહી, માછીમારોને ખાસ ચેતવણી
ભારે વરસાદ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે પણ આગામી દિવસોમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે 'ફિશરમેન વોર્નિંગ' જાહેર કરી છે અને તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે.
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા પણ 'હાઇ વેવ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2થી 3.5 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળી શકે છે. જ્યારે કચ્છના દરિયામાં પણ 3.0થી 3.1 મીટર સુધીના મોજાંની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ બંદરો પર 'લોકલ કોશનરી સિગ્નલ નંબર-3 (LC-III)' ફરકાવવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારો ઉપરાંત દરિયાકિનારે રહેતા લોકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ! : 24 કલાકમાં 196 તાલુકા વરસાદથી તરબોળ, આજે અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ
તંત્રને સતર્ક રહેવાના નિર્દેશ
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠા, ડેમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા, હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને ભારે વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.





