Home Gujarat Vadodara Gujarat First Nep Concept School Vadodara Model School

વડોદરામાં બનશે ગુજરાતની પ્રથમ NEP કોન્સેપ્ટ સ્કૂલ : એક જ કેમ્પસમાં બાલવાડીથી ધોરણ 12 સુધી શિક્ષણ

સ્કૂલ અને બાળકોના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 05:07 AM IST

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલીકરણમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની પ્રથમ 'કોન્સેપ્ટ સ્કૂલ' વડોદરા શહેરમાં વિકસાવવામાં આવી રહી છે, જ્યાં એક જ કેમ્પસમાં બાલવાડીથી લઈને ધોરણ-12 સુધીનું શિક્ષણ ઉપલબ્ધ થશે. સરકારી શાળાઓને ખાનગી શાળાઓ જેવી અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ બનાવવાના ઉદ્દેશથી પ્રથમ તબક્કામાં વડોદરાની બે શાળાઓને મોડલ સ્કૂલ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવામાં આવી રહી છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સમગ્ર શિક્ષા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી અંદાજે રૂ. 30 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં અટલાદરા સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલ (શ્રી મહંત સ્વામી મહારાજ શૈક્ષણિક કેમ્પસ) અને ત્યારબાદ કવિ પ્રેમાનંદ સ્કૂલને આધુનિક શૈક્ષણિક કેમ્પસ તરીકે વિકસાવવામાં આવશે.

NEP મુજબ 'સ્કૂલ કોમ્પ્લેક્સ'નો પ્રથમ પ્રયોગ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ વિદ્યાર્થીઓને અલગ-અલગ તબક્કે શાળા બદલવાની જરૂરિયાત ઘટાડવા માટે 'સ્કૂલ કોમ્પ્લેક્સ'નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ મોડેલ હેઠળ એક જ કેમ્પસમાં બાલવાડી, કિન્ડરગાર્ટન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ રહેશે. આ કેમ્પસમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં અભ્યાસની વ્યવસ્થા હશે. શિક્ષણની સતત પ્રક્રિયા જળવાઈ રહે, ડ્રોપઆઉટ દરમાં ઘટાડો થાય અને વિદ્યાર્થીઓને એકીકૃત શૈક્ષણિક વાતાવરણ મળે તે આ મોડેલનો મુખ્ય હેતુ છે.

રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ વડોદરાથી શરૂ કરવામાં આવી રહ્યો છે. સફળતા બાદ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની તમામ 126 સરકારી શાળાઓને તબક્કાવાર આ જ મોડેલ મુજબ વિકસાવવાની યોજના છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે કેમ્પસ

અટલાદરા સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલમાં હાલ વિકાસકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રાઉન્ડ ટેબલ સંસ્થાના સહયોગથી અંગ્રેજી માધ્યમનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જ્યાં હાલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં આધુનિક 'કેશવ અભ્યાસિકા' લાઇબ્રેરી પણ તૈયાર કરવામાં આવી છે, જેનો લાભ માત્ર આ શાળાના જ નહીં પરંતુ આસપાસની અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

ધોરણ 1થી 8 માટે ચાર માળનું નવું શૈક્ષણિક બિલ્ડિંગ નિર્માણાધીન છે, જેમાં અંદાજે 26 વર્ગખંડો તૈયાર થઈ રહ્યા છે. અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, વિજ્ઞાન અને કોમ્પ્યુટર માટે અત્યાધુનિક લેબની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી આધારિત શિક્ષણ મળી શકે.

અલગ વિભાગો, વિશાળ ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ સુવિધાઓ

બાલવાડી અને કેજી વિભાગ માટે અલગ બિલ્ડિંગ બનાવવામાં આવશે. યુનાઇટેડ વે સંસ્થાના સહયોગથી હિન્દી માધ્યમનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેના ઉપર વિશાળ ઓડિટોરિયમ વિકસાવવામાં આવશે. આ ઓડિટોરિયમનો ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠકઓ તેમજ ઇન્ડોર પ્રવૃત્તિઓ માટે થશે.

ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પણ અલગ બિલ્ડિંગ તૈયાર થશે, જેમાં નવા વર્ગખંડો ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂરી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. કેમ્પસમાં તૈયાર થનારી તમામ લેબ અને અન્ય સુવિધાઓનો લાભ આસપાસની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

બીજી તરફ કવિ પ્રેમાનંદ શાળાને રાજ્યના અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવાની પણ યોજના છે, જ્યાં રમતગમતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુરક્ષા, ટેક્નોલોજી અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર

નવા સ્કૂલ કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને કેન્દ્રમાં રાખીને અનેક આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સમગ્ર કેમ્પસ અવરોધમુક્ત (Barrier-Free) રહેશે, જેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સરળતાથી તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકે. તેમના માટે વિશેષ રિસોર્સ રૂમ, રેમ્પ અને સુલભ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

કેમ્પસના પ્રવેશદ્વાર પર ઓટોમેટેડ બૂમ બેરિયર અને ડિજિટલ આઈ-કાર્ડ સ્કેનિંગ સિસ્ટમ રહેશે, જેથી માત્ર અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ મળી શકે. સમગ્ર કેમ્પસ સીસીટીવી સર્વેલન્સ હેઠળ રહેશે.

સાથે જ સોલાર પાવર સિસ્ટમ દ્વારા વર્ગખંડો, કોરિડોર અને અન્ય સુવિધાઓને વીજ પુરવઠો પૂરો પાડવાની યોજના છે, જે ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ બંનેમાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો: ઝાલોદમાં લૂટેરી દુલ્હનનો ખેલ : લગ્નના બીજા જ દિવસે ફરાર, યુવાન પાસેથી લાખોની ઠગાઈ


શિક્ષણ સાથે ગવર્નન્સ અને શિક્ષક તાલીમ પર પણ ભાર

સ્કૂલ કોમ્પ્લેક્સના સંચાલન માટે અલગ 'સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી' રચવામાં આવશે. શિક્ષકો માટે સતત તાલીમ, નવી ટીચિંગ સ્ટ્રેટેજી અને ડિજિટલ શિક્ષણ સાધનોનો ઉપયોગ વધારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાના જણાવ્યા અનુસાર, સમિતિએ 'વિઝન-2030' અંતર્ગત રોડમેપ તૈયાર કર્યો છે. હાલ સમિતિ હેઠળની 126 શાળાઓમાં અંદાજે 50 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આગામી વર્ષોમાં તમામ શાળાઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધોરણો અનુસાર આધુનિક સ્કૂલ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ સરકારી શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી શાળાઓને ટક્કર આપી શકે તેવી સુવિધાઓ સાથે સશક્ત બનાવવાનો છે, જેથી દરેક બાળકને સમાન અને ઉત્તમ શિક્ષણની તક મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now