દાહોદ જિલ્લાના ઝાલોદમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નજીવનના સપના બતાવી એક યુવાન પાસેથી રૂ. 2.40 લાખ પડાવ્યા બાદ નવવધૂ લગ્નના બીજા જ દિવસે ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનામાં દલાલો અને યુવતી સહિત ચાર લોકોની સંડોવણી સામે આવતાં ઝાલોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ઝાલોદની પંચાલ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર પરસોત્તમદાસ પંચાલ લગ્ન માટે યુવતીની શોધમાં હતા. આ દરમિયાન તેમનો સંપર્ક રણિયાર ગામના કૃષ્ણકાંત ઉર્ફે કિશનભાઈ રમણલાલ પટેલ સાથે થયો હતો. કૃષ્ણકાંતે મધ્યપ્રદેશના બે વ્યક્તિઓ બાબુલાલ લક્ષ્મણભાઈ પાટીદાર અને તરુણભાઈ સાથે મળીને હિતેશકુમાર માટે યુવતી શોધી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
લગ્ન માટે રૂ. 2.40 લાખ લેવાયા
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, દલાલોએ મધ્યપ્રદેશના ગૌડા ગામની મમતાબેન પ્રેમસિંહ ચૌહાણ સાથે લગ્ન ગોઠવ્યા હતા. યુવતી પસંદ પડતાં લગ્નની વ્યવસ્થા અને અન્ય ખર્ચના બહાને હિતેશકુમાર પાસેથી કુલ રૂ. 2.40 લાખ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 19 એપ્રિલ, 2026ના રોજ લગ્નની વિધિ કરાવી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરિવારને લાગ્યું હતું કે હવે હિતેશકુમારનું લગ્નજીવન શરૂ થશે, પરંતુ લગ્નના બીજા જ દિવસે સમગ્ર ઘટનાએ અણધાર્યો વળાંક લીધો હતો.
આ પણ વાંચો: કેતન અગ્રવાલના પરિવાર પર ફરી તૂટી પડ્યો દુઃખનો પહાડ! : પૌત્રના મોતનો આઘાત સહન ન કરી શક્યા દાદા, ન્યાયની રાહ જોતા થયું અવસાન
બીમાર પિતાનું બહાનું બનાવી થઈ ફરાર
ફરિયાદ મુજબ, લગ્નના બીજા જ દિવસે મમતાબેને પોતાના પિતા બીમાર હોવાનો બહાનો બનાવી હિતેશકુમારને મધ્યપ્રદેશના કુક્ષી લઈ જવા સમજાવ્યા હતા. બંને કુક્ષી પહોંચ્યા બાદ મમતાબેને થોડા સમય માટે બહાર જવાની વાત કહી હતી.
પરંતુ થોડા જ સમય બાદ તે અગાઉથી નક્કી કરેલા આયોજન મુજબ એક અજાણ્યા યુવક સાથે મોટરસાયકલ પર બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. લાંબા સમય સુધી રાહ જોવા છતાં મમતાબેન પરત ન ફરતાં હિતેશકુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું.
ત્યારબાદ તેઓ ઝાલોદ પરત ફરી દલાલ કૃષ્ણકાંત પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ઘટનાથી વ્યથિત પરિવારજનો આખરે પોલીસનો સહારો લેવા મજબૂર બન્યા હતા.
ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે હિતેશકુમારના સગા અતુલભાઈ ઈશ્વરભાઈ પંચાલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણકાંત ઉર્ફે કિશનભાઈ રમણલાલ પટેલ, બાબુલાલ લક્ષ્મણભાઈ પાટીદાર, તરુણભાઈ તથા મમતાબેન પ્રેમસિંહ ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(4) અને કલમ 54 હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ હાલ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સાથે જ લગ્નના નામે કાર્યરત કોઈ ગેરકાયદેસર ગેંગની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે : 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ
લગ્નના નામે વધતી ઠગાઈના બનાવો ચિંતાજનક
તાજેતરના સમયમાં લગ્ન કરાવવાના બહાને છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી યુવતી લાવવાના બહાને મોટી રકમ વસૂલવામાં આવે છે અને બાદમાં યુવતી અથવા દલાલો ફરાર થઈ જતાં પરિવારો આર્થિક અને માનસિક રીતે ભારે નુકસાન ભોગવે છે.





