Home Gujarat Junagadh Mangrol 22 Inch Rain Flood News Gujarati

જૂનાગઢમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદથી માંગરોળ બેટમાં ફેરવાયું! : સ્થાનિકોએ રડીને જણાવી આપવીતી, કહ્યું- 'હવે છોકરાઓને શું ખવડાવવું અને ક્યાં જવું એ સમજાતું નથી'

Junagadh HeavyRains
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 03:05 PM IST

Junagadh HeavyRains: કુદરતનો પ્રકોપ જ્યારે વરસે છે ત્યારે માણસ લાચાર બની જાય છે. આવી જ કંઈક સ્થિતિ હાલ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે. જૂનાગઢ પર આકાશી આફત તૂટી પડી છે. માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ ૨૨ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. ખાસ કરીને માંગરોળ તાલુકામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે ચારેય તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

ગુજરાતના તમામ બંદરો પર LC-III સિગ્નલ યથાવત : 5 દિવસ દરિયો તોફાની રહેશે; માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના

માંગરોળમાં કેડસમા પાણી: સોસાયટીઓ અને ઘરો બન્યા ટાપુ

માંગરોળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. નીચાણવાળા વિસ્તારો તો ઠીક, પણ મુખ્ય માર્ગો અને રહેણાંક સોસાયટીઓમાં કેડસમા (કમર સુધીના) પાણી ભરાઈ ગયા છે. સેંકડો ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે. બજારો, શેરીઓ અને સોસાયટીઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગઈ છે. આ ભયાવહ સ્થિતિને કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે ત્રસ્ત થઈ ગયું છે.

રોડ પર ચાલી બોટ: વાહન-વ્યવહાર સંપૂર્ણપણે ઠપ

વરસાદી પાણીનો ભરાવો એટલી હદે વધી ગયો છે કે માંગરોળનો વાહન-વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. રસ્તાઓ રસ્તા મટીને ધસમસતી નદીઓ બની ચૂક્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં અવરજવર કરવા માટે સ્થાનિકોએ બોટ (હોડી)નો સહારો લેવો પડી રહ્યો છે. સોસાયટીઓમાંથી બહાર નીકળવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે રોડ પર બોટ ચલાવવાની નૌબત આવી છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ

“બધું જ ધોવાઈ ગયું...” : સ્થાનિકોએ રડીને જણાવી આપવીતી

પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પૂરના પ્રવાહમાં અનાજ, કરિયાણું, કપડાં અને ઘરવખરીનો સામાન તણાઈ ગયો છે અથવા તો પલળીને બગડી ગયો છે. એક સ્થાનિક રહેવાસીએ રડમસ અવાજે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે “મારા વ્હાલા, આખા (વિસ્તાર)માં પાણી ભરાઈ ગયું છે... ઘરમાં રાખેલું અનાજ અને પીવાનું પાણી પણ ધોવાઈ ગયું છે. હવે છોકરાઓને શું ખવડાવવું અને ક્યાં જવું એ સમજાતું નથી.”

આ કુદરતી આફતની વચ્ચે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર વાતો થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સમયસર કરવામાં આવી હોત, તો આજે આટલી હદે પાણી ભરાયા ન હોત. તંત્રના પાપે આજે હજારો નિર્દોષ નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રામભરોસે જીવી રહ્યા છે.

હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો આશા રાખીને બેઠા છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ વણસી શકે છે.

માંગરોળમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ : સ્થાનિકોનો આક્ષેપ - "સહાય માટે કોઈ પહોંચ્યું નહીં"


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now