Home Gujarat Dahod Limkheda Hit And Run Three Brothers Killed

દાહોદમાં ગોઝારો હિટ એન્ડ રન : પિકઅપ વાનની ટક્કરે એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત

લીમખેડા-દાહોદ હાઈવે પર અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર પોલીસ અને સ્થાનિક લોકો.
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 03:57 PM IST

Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા-દાહોદ હાઈવે પર વિજય હોટલ નજીક ગોઝારો હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી પિકઅપ વાને બાઇકને જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર ખીરખાઈ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે.

મૃતકોની ઓળખ અનિલ દેવધા (21), સંજય દેવધા (18) અને રતન દેવધા (18) તરીકે થઈ છે. ત્રણેય લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામના રહેવાસી અને પરસ્પર કૌટુંબિક ભાઈઓ હતા. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ લીમખેડાની યુનિટી હાડકાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાના સંબંધીની મુલાકાત લઈને બાઇક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે વિજય હોટલ નજીક સામેથી આવી રહેલી પિકઅપ વાને તેમની બાઇકને ટક્કર મારી હતી.

ઘટનાસ્થળે જ ત્રણેયના મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ પિકઅપ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં લીમખેડાના મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોમાં રોષ, સુરક્ષાના પગલાંની માંગ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હડફ નદી પરના બ્રિજના સમારકામને કારણે આ માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે, જેના કારણે ભારે વાહનોની અવરજવર વધી છે. વારંવાર અકસ્માતો સર્જાતા સ્થાનિકોએ જોખમી સ્થળોએ સ્પીડ બ્રેકર, ચેતવણી બોર્ડ અને ટ્રાફિક સુરક્ષાના અન્ય પગલાં તાત્કાલિક લેવા માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now