Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત આ. કે. વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થી સન્માન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12ની માર્ચ-2026ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનારા તેમજ દરેક વિષયમાં સર્વાધિક ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન કુલ 112 શીલ્ડ તેમજ 31 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. ગુણવંતીબેન સુરેન્દ્રભાઈ પટેલ સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ તરીકે પ્રો. ડો. નીતિનકુમાર એમ. પેથાણી (પ્રિન્સિપાલ, દેસાઈ સી. એમ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિરમગામ તથા પૂર્વ વાઈસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ડો. આર. એ. શેરસિયા (પૂર્વ ડાયરેક્ટર, ખેતીવાડી વિભાગ, ગુજરાત રાજ્ય) હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





