Mahisagar News: મહીસાગરના ₹123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં CID ક્રાઇમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક કોન્ટ્રાક્ટર અને એક તત્કાલીન WASMO કર્મચારીનો સમાવેશ થાય છે.
CID ક્રાઇમના જણાવ્યા મુજબ, લુણાવાડા નગર ભાજપ વ્યાપારી સેલના પ્રમુખ તેમજ કોન્ટ્રાક્ટર કલ્પેશકુમાર જશવંતલાલ શાહ ગાંધીનગર સ્થિત CID કચેરીમાં હાજર થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તેમની પાસેથી સરકારને અંદાજે ₹4.58 કરોડની વસૂલાત થવાની બાકી છે. કલ્પેશ શાહ પર ખાનપુર, લુણાવાડા, કડાણા, સંતરામપુર અને બાલાસિનોર તાલુકાના કુલ 37 ગામોમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે.
બીજી તરફ, CID ક્રાઇમે નડિયાદમાંથી તત્કાલીન WASMOના આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર કર્મવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયાની પણ ધરપકડ કરી છે. તેઓ કડાણા તાલુકામાં ફરજ બજાવતા હતા. તપાસ દરમિયાન તેમના ખાતામાં અંદાજે દોઢ લાખ રૂપિયા જમા થયા હોવાનું તથા ખોટા બિલો અને અન્ય દસ્તાવેજોમાં તેમની સહીનો ઉપયોગ થયો હોવાના આરોપો સામે આવ્યા છે.
અત્યાર સુધીમાં 46 ધરપકડ, તપાસ યથાવત
આ કેસમાં 22 જૂને હાલના WASMO યુનિટ મેનેજર દ્વારા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં પૂર્વ WASMO કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, સરપંચો અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓ સહિત કુલ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, 714 ગામોમાંથી આશરે 620 ગામોમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. જોકે, કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી વચ્ચે હવે સરકાર નુકસાનની રકમ ક્યારે વસૂલ કરશે, અધૂરી યોજનાઓ ક્યારે પૂર્ણ થશે અને અસરગ્રસ્ત ગામોને નિયમિત પીવાનું પાણી ક્યારે મળશે તે મહત્વના પ્રશ્નો યથાવત છે.





