Gandhinagar News: ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મિલાપ' હેઠળ વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. અભિયાનના બીજા તબક્કામાં માત્ર 10 દિવસ દરમિયાન રાજ્યભરમાં કુલ 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના એડિશનલ ડીજીપી અજય ચૌધરીના જણાવ્યા અનુસાર, 12 જૂનથી 21 જૂન દરમિયાન હાથ ધરાયેલા અભિયાનમાં 288 મહિલાઓ, 103 પુરુષો, 88 બાળકીઓ અને 21 બાળકોને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા હતા. આ પહેલાં 7 મેથી 5 જૂન દરમિયાન યોજાયેલા પ્રથમ તબક્કામાં 1,478 ગુમ નાગરિકોને શોધવામાં સફળતા મળી હતી.
કર્ણાટકમાંથી વડોદરાની સગીરાનો રેસ્ક્યૂ
આ અભિયાન દરમિયાન વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ એક મહત્વપૂર્ણ કેસ ઉકેલ્યો હતો. છાણી વિસ્તારમાંથી ડિસેમ્બર 2025થી ગુમ થયેલી 14 વર્ષની સગીરાને આશરે 1,200 કિલોમીટર દૂર કર્ણાટકના શિવમોગામાંથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું કે આરોપી સુનિલકુમાર બારિયા સગીરાને ફોસલાવીને લઈ ગયો હતો. બાદમાં તેણે પોતાની ઓળખ બદલી, જયપુરમાં પૂજારીનો કોર્સ કર્યો અને કર્ણાટકના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાં તેણે સગીરાને પોતાની પત્ની તરીકે ઓળખાવી રાખી હતી.
ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા
ગુજરાત પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ભારે વરસાદ વચ્ચે વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમે બે દિવસ સુધી મંદિર પર નજર રાખી હતી. અંતે વહેલી સવારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને સગીરાને સુરક્ષિત રીતે વડોદરા લાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી.





