Home Gujarat Bhavnagar Mahuva Heavy Rain Monsoon Update

ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા રસ્તાઓ.
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 01:28 PM IST

Bhavnagar News: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મહુવા તાલુકામાં બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મહુવા શહેરના સ્વામિનારાયણ મંદિર, ગાંધી બાગ, કુંભારવાડા અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

મહુવા અને ઘોઘાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

મહુવા તાલુકાના કતપર, વાઘનગર, ખરેડ, ભાદ્રોડ, મોટા જાદરા, કુંભણ, ઉમણીયાવદર અને કોજળી સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ઘોઘા તાલુકાના ભાખલ, કુકડ, પીપરાળા અને નવાગામ સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.

કોસ્ટલ બેલ્ટમાં પણ વરસાદ

તળાજા-મહુવા કોસ્ટલ બેલ્ટમાં આવેલા ઊંચા કોટડા, નીચા કોટડા, કળસાર, દાઠા, મેથળા, ઝાંઝમેર, ગોપનાથ, પીથલપુર અને વેજોદરી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારથી જ સમગ્ર ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો.

ખેડૂતોએ જણાવ્યું કે લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી. આ વરસાદથી વાવણી અને અન્ય કૃષિ કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now