Surat News: શહેરના પાંડેસરા વિસ્તારમાં તાજેતરમાં જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર ગેંગનો ભેદ ઉકેલવામાં પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે. ગત તારીખ ૨૮/૦૬/૨૦૨૬ના રોજ તેરેનામ રોડ પર આવેલી 'ક્રિષ્ના જ્વેલર્સ' નામની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૨૦,૦૦૦ની ચોરીનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ આદરીને ચોરી થયેલો તમામ મુદ્દામાલ ૧૦૦ ટકા રિકવર કરી લીધો છે.
8 થી 9 ટીમો અને 250થી વધુ CCTV ફૂટેજની મદદથી તપાસ
આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ગુનો ઉકેલવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ૮ થી ૯ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે પાંડેસરા અને આસપાસના વિસ્તારોના ૨૫૦થી વધુ CCTV કેમેરાના ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ, મોબાઈલ લોકેશન અને આધુનિક ટેકનોલોજીના ત્રિવેણી સંગમથી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ચોરી કર્યા બાદ ડાયમંડ નગરમાં રોકાયા હતા આરોપીઓ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ક્રિષ્ના જ્વેલર્સમાં ચોરીની વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીઓ તરત જ ભાગ્યા નહોતા. તેઓ ડાયમંડ નગર વિસ્તારમાં આશરે એક કલાક સુધી રોકાયા હતા અને ત્યારબાદ ત્યાંથી આગળ નીકળ્યા હતા.
લક્ઝરી બસ દ્વારા યુપી તરફ ભાગવાનો પ્રયાસ
CCTV ફૂટેજના ટેકનિકલ એનાલિસિસ પરથી જાણવા મળ્યું હતું કે આરોપીઓ સુરતના રીંગરોડ વિસ્તારમાંથી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પકડીને ઉત્તર પ્રદેશ (યુપી) તરફ ભાગી છૂટ્યા હતા. પોલીસ ટીમો સતત આ બસના લોકેશન પર નજર રાખી રહી હતી અને સ્થાનિક પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ
પોલીસ પાછળ પડતા મુદ્દામાલ મૂકીને આરોપીઓ ફરાર
પોલીસ પોતાની પાછળ પડી હોવાની ગંધ આવી જતાં આરોપીઓ ગભરાઈ ગયા હતા. ટ્રાવેલ્સની બસ જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારમાં આવેલા રાનિયા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે આરોપીઓ ચોરી કરેલો તમામ મુદ્દામાલ (સોના-ચાંદીના દાગીના અને રોકડ) બસમાં જ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કરી લીધો છે.
પોલીસ અધિકારીનું નિવેદન
ચોરી થયેલો સો ટકા મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે અને ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓના આધારે ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે."





