Surat Rains: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સુરત શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
મહીસાગરમાં કાળજું કંપાવી દે તેવો અકસ્માત CCTVમાં કેદ : લુણાવાડામાં બે મહિલાઓને ઇકો કારની ટક્કર
અનેક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં જ ગણતરીના કલાકોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસે કે કામે નીકળેલા લોકો રસ્તામાં અટવાયા હતા, તો બીજી તરફ લાંબા સમય બાદ આ પ્રકારે વરસેલા વરસાદથી વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે.
ગરમીથી મળી મોટી રાહત
છેલ્લા ઘણા દિવસોથી સુરતવાસીઓ અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત હતા. આજની આ ધમાકેદાર એન્ટ્રીથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
અમરેલીમાં વરસાદી માહોલ : જાફરાબાદના દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર
હજુ પણ ભારે વરસાદની સંભાવના: તંત્ર એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આ આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન અને કોર્પોરેશન તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે, પ્રશાસન દ્વારા નાગરિકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી સાવચેતી રાખવા સત્તાવાર અપીલ કરવામાં આવી છે. વરસાદની આ ધમાકેદાર ઇનિંગથી ભલે થોડી ક્ષણો માટે જનજીવન પ્રભાવિત થયું હોય, પણ ધરતીપુત્રો અને સ્થાનિક લોકોમાં આ વરસાદને કારણે ભારે આનંદ જોવા મળી રહ્યો છે.
મેઘરાજાનો હવે જેવા મળશે અસલી મિજાજ : ગુજરાતમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ





