Home Gujarat Ahmedabad Gujarat Heavy Rain Forecast Next 7 Days Imd Monsoon Alert

મેઘરાજાનો હવે જેવા મળશે અસલી મિજાજ : ગુજરાતમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ

વરસાદી પાણી ભરાયા હોય તેવી છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 04, 2026, 10:58 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ હવે ધીમે-ધીમે જોર પકડવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી સાત દિવસ વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાની પરિબળોના કારણે આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં શિયર ઝોન, સીઝનલ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન જેવી વિવિધ હવામાની સિસ્ટમો સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે.

આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: વરસાદે દેખાડ્યો રંગ! તાપીમાં નવા નીર : કોઝવે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે એલર્ટ

આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગર જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

તે ઉપરાંત સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં વધુ વરસાદ પડવાથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી શકે છે.

40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગે વરસાદની સાથે જ તેજ પવન અંગે પણ ચેતવણી આપી છે. આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવા તેમજ વીજળીના થાંભલા અને વૃક્ષોની નજીક ઊભા ન રહેવા લોકોને સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: મંગોરળમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા : સોસાયટીમાં પાણી ભરતા લોકો બોટ લઈને નીકળ્યા, Video વાયરલ

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દરિયાઈ વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે. દરિયાની સ્થિતિ ઉગ્ર બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં ન જવા અને જે બોટ દરિયામાં હોય તેમને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત સ્થળે પરત ફરવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી

રાજધાની અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી ચોમાસાની સીઝનમાં 86 મિમી વરસાદ નોંધાયો છે.

જોકે, આ આંકડો સામાન્ય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં આશરે 143.1 મિમી વરસાદ નોંધાવવો જોઈએ, પરંતુ હાલ શહેરમાં અંદાજે 40 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી સપ્તાહ દરમિયાન પડનારા વરસાદથી આ ખાધ અમુક અંશે પૂરી થઈ શકે છે.

આ પણ વાંચો: વરસાદથી બંધ થયેલો દ્વારકા-સોમનાથ હાઇવે ફરી શરૂ : ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ

ખેડૂતોમાં ખુશીની લાગણી

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. શરૂઆતમાં ચોમાસું મોડું પહોંચતાં વાવણીને લઈને ચિંતા વધી હતી, પરંતુ હવે સારા વરસાદની આગાહીથી ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાવાની આશા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કૃષિ વિસ્તારોમાં વરસાદથી પાકને મોટો ફાયદો થવાની સંભાવના છે. જોકે, સતત ભારે વરસાદને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી ખેડૂતોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

વહીવટી તંત્રને પણ એલર્ટ

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બચાવ ટીમો તૈયાર રાખવામાં આવી છે.

લોકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળા અને જળાશયોની નજીક ન જવા તેમજ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય રહેવાની શક્યતા હોવાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now