Dwarka-Somnath News: ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર હુસેના બાદ ગામ નજીક આવેલા ઓવરબ્રિજને નુકસાન પહોંચતા હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. જોકે, નેશનલ હાઇવે ઓથોરિટીએ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરીને હવે માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુક્યો છે.
માહિતી મુજબ, ભારે વરસાદના કારણે ઓવરબ્રિજનો એક ભાગ ધોવાઈ જતાં સુરક્ષાના કારણોસર ગઈકાલે સાંજે અંદાજે 7 વાગ્યાથી નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે દ્વારકા, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢ તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમારકામ બાદ વાહનવ્યવહાર પૂર્વવત
નેશનલ હાઇવે વિભાગે રાતોરાત સમારકામની કામગીરી પૂર્ણ કરી માર્ગને ફરીથી શરૂ કર્યો છે. હવે સોમનાથથી દ્વારકા તેમજ દ્વારકા-પોરબંદર તરફથી સોમનાથ અને જૂનાગઢ તરફ જતો વાહનવ્યવહાર સામાન્ય રીતે શરૂ થઈ ગયો છે.
વરસાદના કારણે હાઇવેને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માર્ગની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.






