Home Gujarat Vietnam Modern Farming Success India Lessons Gujarati

મંગોરળમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા : સોસાયટીમાં પાણી ભરાતા લોકો બોટ લઈને નીકળ્યા, Video વાયરલ

બોટ લઈને જતાં લોકો
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 11:20 AM IST

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

માંગરોળ બંદર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનું સ્તર સતત વધતાં કેટલાક લોકો મોટી બોટની મદદથી ઘરમાંથી સુરક્ષિત સ્થળે નીકળતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ વરસાદી પાણીના ભરાવને કારણે દૈનિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

હુસેનાબાદ પાસે નોળી નદીના પ્રવાહે માર્ગ ધોવાયો

અતિભારે વરસાદના કારણે હુસેનાબાદ ગામ નજીક વહેતી નોળી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના પ્રચંડ પ્રવાહમાં નદી પર આવેલા બ્રિજને જોડતો પાકો માર્ગ ધોવાઈ ગયો છે. માર્ગને નુકસાન પહોંચતા આ વિસ્તારનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને આસપાસના ગામોના લોકો માટે અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે.

સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગના નુકસાનનું મૂલ્યાંકન કરીને જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટનાં જંગલેશ્વરમાં તોડાયા હતાં મકાનો : હવે ખર્ચના આંકડાઓ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

નદી-નાળાઓથી દૂર રહેવાની અપીલ

હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભારે વરસાદની સ્થિતિ યથાવત રહે તો વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. માંગરોળ તાલુકામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત માટેની ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now