Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીના ખર્ચને લઈને હવે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાને પત્ર લખીને ડિમોલિશન કામગીરી સહિત મહાનગરપાલિકાના વિવિધ ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ અંગે વિગતવાર માહિતી માગી છે. પત્રમાં માત્ર ડિમોલિશનનો ખર્ચ જ નહીં, પરંતુ વર્ષો જૂના પેન્ડિંગ બિલો, કોરોના કાળમાં થયેલા ખર્ચ, એબ્સ્ટેક પદ્ધતિ અને સરકારી કાર્યક્રમોમાં થતા ખર્ચ જેવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ રજૂઆતને કરદાતાના અધિકાર સાથે જોડતા જણાવ્યું છે કે જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તેની માહિતી નાગરિકોને મળવી જોઈએ. જો માંગવામાં આવેલી વિગતો સ્વૈચ્છિક રીતે આપવામાં નહીં આવે તો કોંગ્રેસના કોર્પોરેટરો આગામી જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે સત્તાવાર રીતે પ્રશ્નો ઉઠાવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
ડિમોલિશન ખર્ચ અંગે પારદર્શિતાની માંગ
હેમાંગ વસાવડાએ પોતાના પત્રમાં જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહીના કુલ ખર્ચની વિગતવાર માહિતી માંગવામાં આવી છે. આ કામગીરી માટે કેટલો ખર્ચ થયો, કયા હેડ હેઠળ ખર્ચ નોંધાયો, કઈ એજન્સીઓ અથવા વેન્ડરોને કામ સોંપવામાં આવ્યું અને તેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવી તે સહિતની માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી. હવે તેના ખર્ચ અંગે પણ સવાલો ઊભા થતાં આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ
કોરોના કાળના ખર્ચનો પણ માંગ્યો હિસાબ
પત્રમાં કોરોના મહામારી દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં પતરાની આડસ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ થયેલા ખર્ચની વિગતો પણ માંગવામાં આવી છે. તે સમયે કયા કામો માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, કઈ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી હતી અને તે ખર્ચ માટે કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં અનેક કામો ઝડપથી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સમય વીતી ગયો હોવાથી તે તમામ ખર્ચ અંગે પારદર્શિતા જાળવવી જરૂરી છે.
પેન્ડિંગ બિલ અને વેન્ડરોને લઈને ઉઠ્યા સવાલો
પત્રમાં વર્ષ 2018થી અત્યાર સુધીના પેન્ડિંગ બિલોની સંખ્યા અને તેની કુલ રકમ અંગે પણ માહિતી માંગવામાં આવી છે. સાથે જ કોંગ્રેસે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે જો કેટલાક બિલો શાસકીય મંજૂરીના અભાવે પેન્ડિંગ છે, તો તે જ વેન્ડરો આજે પણ રાજકોટ મહાનગરપાલિકાને સેવાઓ કેવી રીતે પૂરી પાડી રહ્યા છે? આ મુદ્દાને લઈને કોંગ્રેસે વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા અને નિયમોના અમલ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. જો મંજૂરી વગર બિલો અટવાયેલા હોય તો સંબંધિત વેન્ડરો સાથે નવા કામ કેવી રીતે થઈ રહ્યા છે તે અંગે સ્પષ્ટતા જરૂરી હોવાનું પત્રમાં જણાવાયું છે.
આ પણ વાંચો: એક ક્ષણની દુર્ઘટના કે બેદરકારીની કિંમત? : વડોદરાની સયાજી હોસ્પિટલમાં શ્રમિકના મોતથી ઉઠ્યા સવાલો
એબ્સ્ટેક પદ્ધતિ સામે કોંગ્રેસનો વાંધો
પત્રમાં મહાનગરપાલિકામાં અપનાવવામાં આવતી 'એબ્સ્ટેક' પદ્ધતિ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર અધિકારીઓ કોર્પોરેશનમાંથી એબ્સ્ટેક તરીકે રકમ ઉપાડે છે અને બાદમાં તેનો સેટ-ઓફ કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા પારદર્શિતાના અભાવને જન્મ આપી શકે છે અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ ઊભી કરી શકે છે.
કોંગ્રેસે આ પદ્ધતિ હેઠળ છેલ્લા કેટલા સમયગાળામાં કેટલી રકમ ઉપાડવામાં આવી, તેનો ઉપયોગ ક્યાં થયો અને કેટલા કેસોમાં સેટ-ઓફ કરવામાં આવ્યો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી પદ્ધતિ બંધ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: રસ્તો તો ખુલ્યો... પણ ભેદભાવના ઉભા થયા સવાલો : સુરેન્દ્રનગરની દબાણ હટાવો ઝુંબેશ આવી ચર્ચામાં
સરકારી કાર્યક્રમોના ખર્ચનો પણ હિસાબ માંગ્યો
હેમાંગ વસાવડાએ પોતાના પત્રમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો, સમારંભો અને જાહેર પ્રસંગો પાછળ કરવામાં આવતા ખર્ચની વિગતો પણ માંગવામાં આવી છે. કાર્યક્રમવાર ખર્ચ, તેની મંજૂરી અને ખર્ચના સ્ત્રોત અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે નાગરિકોના કરમાંથી થતો ખર્ચ સંપૂર્ણપણે જાહેર અને પારદર્શક હોવો જોઈએ. તેથી દરેક ખર્ચ અંગે જવાબદારી અને હિસાબી વ્યવસ્થા સ્પષ્ટ હોવી જરૂરી છે.
માહિતી નહીં મળે તો જનરલ બોર્ડમાં ગુંજશે મુદ્દો
કોંગ્રેસે પત્રના અંતમાં સ્પષ્ટ કર્યું છે કે માંગવામાં આવેલી વિગતો કરદાતા તરીકે આપવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો આ મુદ્દે સત્તાવાર રીતે પ્રશ્નો પૂછશે. સાથે જ જરૂર પડશે તો કાયદાકીય અને વહીવટી માધ્યમો દ્વારા પણ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. હાલ મહાનગરપાલિકા તરફથી આ પત્ર અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે કમિશનર કચેરી કોંગ્રેસ દ્વારા માંગવામાં આવેલી વિગતો જાહેર કરે છે કે નહીં અને સમગ્ર મુદ્દે શું સ્પષ્ટતા આપે છે, તેના પર રાજકીય વર્તુળો તેમજ શહેરના કરદાતાઓની નજર રહેશે.





