જસદણ સ્થિત હોસ્ટેલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય આયુષી બલદાણીયાના અવસાનના મામલે આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને ભાવનગર શહેરમાં આજે આહીર યુવક મંડળ, આહીર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી આયુષી બલદાણીયાની તબિયત બગડ્યા બાદ પણ તેના પરિવારજનોને સમયસર જાણ કરવામાં આવી નહોતી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે બાળકીના પરિવારને ભારે આઘાત સહન કરવો પડ્યો છે.
આ પણ વાંચો: મેઘરાજા આફત બનીને વરસ્યા : રાજકોટ બેડી યાર્ડમાં કાળા તલનો લાખોનો જથ્થો પલળ્યો
'વાલીઓને સમયસર જાણ ન કરાઈ' હોવાનો આક્ષેપ
આહીર સમાજના આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા, જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી. સાથે જ રાજ્યની તમામ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી પ્રોટોકોલને વધુ અસરકારક બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે હોસ્ટેલોમાં બાળકોની તબિયત સંબંધિત કોઈપણ ગંભીર સ્થિતિમાં વાલીઓને તાત્કાલિક જાણ કરવાની ફરજિયાત વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ.
મહાવીરભાઈ ડાંગરે વ્યક્ત કરી ગંભીર ચિંતા
આહીર સમાજના આગેવાન મહાવીરભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આયુષીના કેસમાં અનેક પ્રશ્નો હજુ પણ અનુત્તર છે. તેમના કહેવા મુજબ, હોસ્ટેલમાં અન્ય કેટલાક બાળકો પણ બીમાર હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના પરિવારજનોને પણ સમયસર જાણ કરવામાં આવી નહોતી. મહાવીરભાઈ ડાંગરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બાળકીના શરીર પર જોવા મળેલા નિશાન અંગે પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સમાજ કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના માત્ર સત્ય બહાર આવે અને દોષિત સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક : તપાસ શરૂ થાય તે પહેલાં જ સમિતિના અધ્યક્ષ બદલાયા
નિષ્પક્ષ તપાસની માંગ તેજ
આહીર સમાજના આગેવાનોનું કહેવું છે કે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી અથવા દબાણ ન આવે અને સમગ્ર ઘટનાની સત્ય હકીકત સામે આવે તે જરૂરી છે. સમાજે સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાની નથી, પરંતુ એક માસૂમ બાળકીના મૃત્યુ અંગે સત્ય બહાર આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે સંબંધિત સરકારી તંત્ર દ્વારા તપાસની પ્રક્રિયા ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ બાળકીના અવસાનના કારણો અને જો કોઈ બેદરકારી થઈ હોય તો તેની જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.





