રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન નાસ્તાના અસાધારણ ખર્ચને લઈને ઉભા થયેલા વિવાદમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની સત્તાવાર તપાસ શરૂ થાય તે પહેલાં જ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા સી.કે. નંદાણીને બદલવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે પીજીવીસીએલ (PGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળતા કેતન જોશીને તપાસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તપાસ સમિતિની રચના થયાના માત્ર બે દિવસમાં જ અધ્યક્ષ બદલવાનો નિર્ણય લેવાતા વહીવટી વર્તુળો અને રાજકીય ક્ષેત્રમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સમિતિના નેતૃત્વમાં આટલી ઝડપથી ફેરફાર કરવામાં આવતાં તેના કારણોને લઈને પણ વિવિધ અટકળો ચાલી રહી છે, જોકે મહાનગરપાલિકા તરફથી આ ફેરફાર અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મેઘરાજા આફત બનીને વરસ્યા : રાજકોટ બેડી યાર્ડમાં કાળા તલનો લાખોનો જથ્થો પલળ્યો
નાસ્તાના ખર્ચને લઈને ઊભો થયો વિવાદ
જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ડિમોલિશન દરમિયાન નાસ્તાના ખર્ચના બિલોને લઈને વિવાદ સર્જાયો હતો. ખર્ચના આંકડાઓને લઈને પ્રશ્નો ઊભા થતાં સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. હવે નવી સમિતિ આક્ષેપોની તટસ્થ તપાસ કરીને વાસ્તવિક હકીકતો સામે લાવવાનો પ્રયાસ કરશે. કેતન જોશીની અધ્યક્ષતામાં સમિતિ સંબંધિત દસ્તાવેજો, ખર્ચના રેકોર્ડ અને વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને પોતાનો અહેવાલ તૈયાર કરશે. તપાસમાં જો કોઈ ગેરરીતિ સામે આવશે તો તેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: આકાશમાંથી ખુલશે અમીધારાનાં દ્વાર : ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
અહેવાલ પર રહેશે સૌની નજર
રાજકોટ મહાનગરપાલિકાના આ સમગ્ર પ્રકરણ પર હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ પર કેન્દ્રિત થઈ છે. સમિતિના તારણો બાદ જ નાસ્તાના ખર્ચને લઈને ઉઠેલા પ્રશ્નોનો અંત આવશે કે વિવાદ વધુ ગહેરો બનશે તે સ્પષ્ટ થશે.





