Home Gujarat Rajkot Gandhinagar Loksabha One Crore Tree Plantation Drive Amit Shah July 2026

ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવાનો મેગા પ્લાન : એક જ દિવસમાં વવાશે 1 કરોડ વૃક્ષો, અમિત શાહ કરાવશે અભિયાનનો પ્રારંભ

tree plantation campaign
Published by: Suman Dabhi
Last Updated: Jul 02, 2026, 06:00 AM IST

Green Lok Sabha: વધતા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ વચ્ચે ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક વિશાળ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ 12 જુલાઈએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક જ દિવસમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનનો પ્રારંભ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમથી થશે.

એક દિવસમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

'હરિયાળી લોકસભા' અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારને વધુ હરિયાળો બનાવવા માટે આ વર્ષે એક જ દિવસમાં 1 કરોડ વૃક્ષો વાવવાની યોજના બનાવવામાં આવી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું છે કે આ અભિયાન માત્ર વૃક્ષો વાવવાનું નહીં, પરંતુ તેના લાંબા ગાળાના જતન પર પણ કેન્દ્રિત રહેશે. છેલ્લા ચાર વર્ષમાં વિસ્તારમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે અને આ અભિયાનથી હરિયાળી વધુ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

400થી વધુ સ્થળોએ થશે વૃક્ષારોપણ

અભિયાન માટે અંદાજે 400 જેટલા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ શહેરના 38 પ્લોટનો પણ સમાવેશ થાય છે. ખાલી સરકારી જમીન, ગૌચર, જાહેર પ્લોટ તેમજ અન્ય યોગ્ય સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. સમગ્ર આયોજન માટે સ્થાનિક વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું છે.

અનેક સંસ્થાઓ જોડાશે

આ અભિયાનમાં ધાર્મિક સંસ્થાઓ, વિવિધ એનજીઓ, બિલ્ડર સંગઠનો, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ સહિત અનેક સામાજિક સંગઠનો ભાગ લેશે.

આ ઉપરાંત સ્થાનિક નાગરિકો, રહેણાંક સોસાયટીઓ અને યુવાનોને પણ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગ્રીન કવરમાં થયો વધારો

વર્ષ 2019થી શરૂ થયેલા હરિયાળી લોકસભા અભિયાનના પરિણામે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવરમાં અંદાજે 11.25 ટકા વધારો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

દર વર્ષે લાખો વૃક્ષો વાવવાના અભિયાનને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દરેક કાર્યકર્તાને સોંપાઈ જવાબદારી

માત્ર વૃક્ષો વાવી દેવા પૂરતું નહીં પરંતુ તેના જતન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

માહિતી મુજબ દરેક પ્લોટ માટે કાર્યકર્તાઓ અને જવાબદાર વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે, જે નિયમિત રીતે વૃક્ષોની સંભાળ અને મોનિટરિંગ કરશે.

કયા પ્રકારના વૃક્ષો વાવવાની અપીલ?

નાગરિકોને લાંબું આયુષ્ય ધરાવતા અને વધુ ઓક્સિજન આપતા વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

તેમાં મુખ્યત્વે:

  • વડ

  • પીપળો

  • લીમડો

  • જાંબુ

  • બોરસલી

જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

સોસાયટીઓને ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 50 વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી છે.

રોપા કેવી રીતે મેળવશો?

અભિયાનમાં જોડાવા ઇચ્છતા નાગરિકો માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીનગર લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર જઈને વ્યક્તિગત અથવા સંસ્થાના નામે નોંધણી કરાવી શકાય છે. નોંધણી દરમિયાન વિસ્તાર, સરનામું અને વૃક્ષ વાવવાની ઉપલબ્ધ જગ્યા અંગેની માહિતી આપવાની રહેશે. સાથે જ અભિયાન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ડોર-ટુ-ડોર જઈને પણ લોકોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

ક્યાં કેટલા વૃક્ષો વાવાશે?

અભિયાન અંતર્ગત કેટલાક મુખ્ય સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે.

  • સાણંદના મખિયાવ ગામ નજીક – 10 લાખ

  • સરખેજના મકતમપુરા વિસ્તારમાં – 8.50 લાખ

  • ગાંધીનગરના પીપળજ ગામ નજીક – 6 લાખ

  • અમદાવાદ સાયન્સ સિટી – 4 લાખ

  • સાબરમતી રેલવે કોલોની – 60 હજાર

  • કલોલ – 60 હજાર

  • ગોતા વિસ્તાર – 50 હજાર

આ ઉપરાંત અન્ય અનેક સ્થળોએ પણ મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવાનો મેગા પ્લાન : એક જ દિવસમાં વવાશે 1 કરોડ વૃક્ષો, અમિત શાહ કરાવશે અભિયાનનો પ્રારંભ

કેમ મહત્વનું છે આ અભિયાન?

ગ્લોબલ વોર્મિંગ, વધતું તાપમાન અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ સામે વૃક્ષારોપણને અસરકારક ઉપાય માનવામાં આવે છે. વૃક્ષો હવાની ગુણવત્તા સુધારવા, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ અભિયાન સફળતાપૂર્વક અમલમાં આવશે અને વાવેલા વૃક્ષોનું લાંબા ગાળે જતન થશે, તો ગાંધીનગર લોકસભા વિસ્તારની હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ માટે તે મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now