રાજકોટ: સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા અને વિશ્વાસ કેટલો ગંભીર પરિણામ લાવી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધનાર વ્યક્તિ બાદમાં કિન્નર હોવાનું સામે આવતાં બંને વચ્ચે વર્ષો સુધી વિવાદ ચાલ્યો હતો. આખરે આ વિવાદ હત્યામાં પરિણમ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 25 જૂનના રોજ શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવેની દીવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં એક અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના માથા પર ગંભીર ઇજાના નિશાન મળતાં આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો કેસ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં આરોગ્ય વિભાગનાં દરોડા : 500 કિલો શંકાસ્પદ પનીર કરાયું જપ્ત, ફેક્ટરી કરાઈ સીલ
CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી ખુલ્યો ભેદ
તપાસ દરમિયાન ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ફોનના ટેક્નિકલ ડેટા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પીયુષકુમાર ખરવાર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હૈદરાબાદમાં રહેતા સમયે પીયુષનો સોશિયલ મીડિયા મારફતે ચંદનકુમાર સાથે પરિચય થયો હતો. ચંદનકુમારે ફેસબુક પર 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' નામની આઈડી બનાવી પોતાને યુવતી તરીકે રજૂ કર્યો હતો. બંને વચ્ચે મિત્રતા વધતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતા.
ઓળખ સામે આવતાં શરૂ થયો વિવાદ
પોલીસના જણાવ્યા મુજબ, ચંદનકુમારે ધાર્મિક માનતાનું કારણ આપીને શારીરિક સંબંધોથી દૂર રહેવાની વાત કરી હતી. આ દરમિયાન પીયુષે વિશ્વાસમાં આવી ચંદનની માંગમાં સિંદૂર ભરી લગ્ન જેવો સંબંધ પણ સ્વીકારી લીધો હતો. જોકે, એક દિવસ પીયુષે ચંદનને શેવિંગ કરતાં જોયો ત્યારે તેને ખબર પડી કે સામેની વ્યક્તિ મહિલા નહીં પરંતુ કિન્નર છે. આ હકીકત સામે આવતાં બંને વચ્ચે સતત મતભેદ અને ઝઘડાઓ શરૂ થયા હતા. પોલીસે જણાવ્યું કે પીયુષ જ્યાં રોજગારી માટે જતો ત્યાં ચંદન પણ તેની પાછળ પહોંચી જતો હતો. હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, ત્યારબાદ રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા ગામ સુધી બંને વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો હતો.
આ પણ વાંચો: ખેડૂતોના સમર્થનમાં ઉતરેલાં હકાભાને જેતપર આવવાની કોણે પાડી ના? : હવનમાં હાડકાં નાંખ્યા બાદ વધુ વકર્યો વિવાદ
અવાવરું સ્થળે લઈ જઈ હુમલો
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી પીયુષ ચંદનને રેલવે ટ્રેક નજીકના અવાવરું સ્થળે લઈ ગયો હતો. ત્યાં મોટા પથ્થર વડે માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડીને તેનું મોત નિપજાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટના બાદ આરોપીએ મૃતદેહ પર પથ્થરો મૂકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ફરી કારખાનામાં કામ પર પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: વીજ પોલ મુદ્દે સરકારનો મોટો સંકેત : જીતુ વાઘાણીએ કહ્યું - 'લાંબા ગાળાની નીતિ આવશે'
BNS હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ટેક્નિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ઘટનાના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવાની જરૂર
આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતા પહેલાં તેમની ઓળખ અને વિશ્વસનીયતાની ખાતરી કરવી કેટલી જરૂરી છે તેનો ગંભીર સંદેશ આપે છે. પોલીસનું કહેવું છે કે માત્ર સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. તેથી કોઈપણ વ્યક્તિ સાથે અંગત સંબંધ બનાવતા પહેલાં તેની ઓળખની યોગ્ય ચકાસણી કરવી અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.





