Home Gujarat Jitu Vaghani On Electricity Pole Policy Farmer Protest Gujarat

વીજ પોલ મુદ્દે સરકારનો મોટો સંકેત : જીતુ વાઘાણીએ કહ્યું - 'લાંબા ગાળાની નીતિ આવશે'

જીતુ વાઘાણી
Image Credit: OBS bureau
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 11:42 AM IST

ગાંધીનગર: રાજ્યમાં વીજ પોલ સંબંધિત મુદ્દા અને ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે રાજ્ય સરકારે લાંબા ગાળાના ઉકેલ તરફ આગળ વધવાનો સંકેત આપ્યો છે. સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વ્યાપક તથા લાંબા ગાળાની નીતિ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને સંપૂર્ણ ગંભીરતાથી સાંભળે છે. વિવિધ સ્તરે ખેડૂતો સાથે અનેક બેઠકો યોજાઈ છે અને તેમના પ્રતિનિધિઓ સાથે સતત ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર માટે ખેડૂત હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં નહીં પરંતુ રાજ્યના વ્યાપક હિત અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને મળ્યો વેપારી વર્ગનો મોટો ટેકો : મોરબીથી જેતપર કલર એસોસિએશનનો કાર કાફલો પહોંચ્યો

અન્ય રાજ્યોના મોડલનો પણ થશે અભ્યાસ

સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે લાંબા ગાળાની નીતિ ઘડતા પહેલાં સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય રાજ્યોમાં અમલમાં રહેલી વ્યવસ્થાઓ અને નીતિઓનો અભ્યાસ કરીને ગુજરાત માટે યોગ્ય મોડલ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, "લાંબા ગાળાની નીતિ બનવાની છે ત્યારે અનુકૂળ વ્યવસ્થા માટે સંબંધિત વિભાગો સાથે ચર્ચા ચાલી રહી છે. અન્ય રાજ્યોના અનુભવ અને મૂલ્યાંકનના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે."

"દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે"

જીતુ વાઘાણીએ જણાવ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને સરકાર હંમેશા વિનમ્રતાથી લોકોની લાગણીઓ અને રજૂઆતો સ્વીકારે છે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં પણ ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને આ મુદ્દે પણ યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ખેડૂતોને રાજકીય દૃષ્ટિએ નહીં પરંતુ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે.

આ પણ વાંચો: સાણંદના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર હુમલાના કેસમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ

"ખેડૂતો રાજનીતિનું સાધન નથી"

સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ખેડૂતોને રાજકીય સાધન તરીકે જોવું યોગ્ય નથી. રાજ્ય સરકારનો એકમાત્ર પ્રયાસ ખેડૂતોના હિતમાં ટકાઉ અને સૌને સ્વીકાર્ય ઉકેલ લાવવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પાસાઓનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર યોગ્ય અને સંતુલિત નિર્ણય જાહેર કરશે. તાજેતરમાં વીજ પોલ અને વળતર સહિતના મુદ્દાઓને લઈને વિવિધ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા રજૂઆતો અને આંદોલનો થયા છે. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા લાંબા ગાળાની નીતિ ઘડવાની જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now