અમદાવાદ: સાણંદ તાલુકાના ડરણ ગામ ખાતે ડ્રેનેજ ગટરની કામગીરી સામે ખેડૂતોના વિરોધ બાદ ઉભા થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપીઓની હજુ સુધી ધરપકડ ન થતાં બુધવારે બાવળા અને સાણંદ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધરણા સાથે રજૂઆત કરી હતી.
ખેડૂતોનો આરોપ છે કે ડરણ ગામ વિસ્તારમાં પસાર થતી ડ્રેનેજ ગટરની કામગીરી સામે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આંદોલનને સફળતા મળ્યા બાદ ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને ગંભીર ગણાવતા ખેડૂતોનું કહેવું છે કે ફરિયાદ નોંધાયા છતાં મુખ્ય આરોપીઓ સામે હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોનો ધરણો
આંદોલનના ભાગરૂપે બાવળા અને સાણંદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. ખેડૂતો દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર આગેવાન પર હુમલો થવો અત્યંત ગંભીર બાબત છે. જો આવા બનાવોમાં ઝડપથી કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોમાં અસુરક્ષાની લાગણી વધશે.
આ પણ વાંચો: 'ગાડીમાં બેસો, નાસ્તો કરીએ' : ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો, અપહરણ બાદ ચાલતી કારમાં છરીના ઘા
ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને વિવાદ
ડરણ ગામ વિસ્તારમાં પસાર થતી ડ્રેનેજ ગટરની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે આ કામગીરીથી ખેતીની જમીન અને પાકને નુકસાન થવાની આશંકા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, આંદોલન બાદ સંબંધિત કામગીરી અટકાવવામાં આવી હતી, જેને તેઓ પોતાની જીત તરીકે જોઈ રહ્યા છે. ત્યારબાદ ખેડૂત આગેવાન પર હુમલો થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
કાર્યવાહી નહીં થાય તો આંદોલન ઉગ્ર કરવાની ચીમકી
પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયેલા ખેડૂતોને આશ્વાસન આપવા પોલીસ અધિકારીઓ દ્વારા રજૂઆત સ્વીકારવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ વ્યાપક આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હુમલાની ઘટના અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






