Home Gujarat Halvad Marketing Yard Supports Jetpar Farmer Protest Day 14

ખેડૂત આંદોલનને હળવદ માર્કેટિંગ યાર્ડનો ટેકો : એક દિવસ યાર્ડ બંધ, વેપારીઓ આજે રેલી સાથે જેતપર પહોંચશે

હળવદ માર્કેટ યાર્ડ
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 07:38 AM IST

મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ કંપની સામે યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને સતત વિવિધ વર્ગોનું સમર્થન મળી રહ્યું છે. આંદોલનના 14મા દિવસે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. વેપારીઓના આ નિર્ણયને ખેડૂતોનો પણ સ્વયંભૂ સહયોગ મળ્યો હતો અને મોટાભાગના ખેડૂતો આજે પોતાની જણસ વેચાણ માટે યાર્ડમાં પહોંચ્યા નહોતા.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે હરાજીની કામગીરી પણ સ્થગિત રાખવામાં આવી હતી. વેપારીઓએ જણાવ્યું કે આ બંધ સ્વૈચ્છિક છે અને તેનો હેતુ જેતપર ખાતે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની માંગણીઓ પ્રત્યે નૈતિક સમર્થન વ્યક્ત કરવાનો છે.

સાંજે બાઈક, કાર અને ટ્રેક્ટર રેલી જેતપર પહોંચશે

વેપારી મહામંડળના આયોજન મુજબ આજે સાંજે 4 વાગ્યે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી બાઈક, કાર અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ, ખેડૂતો અને અન્ય સમર્થકો આ રેલી મારફતે જેતપર ગામે આવેલી ઉપવાસી છાવણી પહોંચીને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપશે. વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોની માંગણીઓનો યોગ્ય અને શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે સમાજના વિવિધ વર્ગોએ એકતા દર્શાવવી જરૂરી છે. આ કારણે વેપારી સમાજે યાર્ડ બંધ રાખી ખેડૂતોની લડતને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સાણંદના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર હુમલાના કેસમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ

વેપારી મહામંડળે વ્યક્ત કર્યો ટેકો

હળવદ વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે જેતપરના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પોતાની માંગણીઓ માટે અન્નત્યાગ કરીને શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો પોતાના હક્કની માંગ કરી રહ્યા છે અને વેપારી સમાજ તેમની લડત સાથે સંપૂર્ણપણે ઉભો છે. તેમણે જણાવ્યું કે હળવદ માર્કેટિંગ યાર્ડ રાજ્યના મહત્વના કૃષિ બજારોમાં સ્થાન ધરાવે છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક દિવસ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા ખેડૂતો પ્રત્યે એકતા અને સહકારનો સંદેશ આપવામાં આવ્યો છે.

ખેડૂતોને નુકસાન નહીં થાય: વેપારીઓ

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બંધનો હેતુ ખેડૂતોને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ ખેડૂતોના ન્યાય માટે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવાનો છે. તેમણે જણાવ્યું કે હાલ એક દિવસ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી કાર્યક્રમ અંગે વેપારી મહામંડળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હળવદ ઉપરાંત ધાંગધ્રા, મૂળી, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાંથી મોટી માત્રામાં કૃષિ પેદાશોની આવક થાય છે, છતાં ખેડૂતોના સમર્થનમાં વેપારીઓએ આજે વેપાર બંધ રાખ્યો છે.

આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને મળ્યો વેપારી વર્ગનો મોટો ટેકો : મોરબીથી જેતપર કલર એસોસિએશનનો કાર કાફલો પહોંચ્યો

14મા દિવસે પણ યથાવત્ ઉપવાસ આંદોલન

જેતપર ગામે ખેડૂતો છેલ્લા 14 દિવસથી વીજ કંપની સામે યોગ્ય વળતર અને અન્ય માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. છેલ્લા કેટલાક દિવસોમાં વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ ગામોના ખેડૂતો આંદોલન સ્થળે પહોંચી સમર્થન જાહેર કરી રહ્યા છે. વેપારી વર્ગના વધતા સમર્થનને કારણે આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ખેડૂતોની માંગણીઓ અંગે સંબંધિત પક્ષો વચ્ચે ચર્ચા અને કાયદેસર પ્રક્રિયા દ્વારા ઉકેલ આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now