Home Gujarat Surat Surat Nasirnagar Demolition Five Engineers Suspended

સુરતના 'ભૂતિયા' ડિમોલિશન કેસમાં કાર્યવાહી : 5 એન્જિનિયરો સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ

નસીરનગર ડિમોલિશન
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 09:52 AM IST

સુરત: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને ઊભા થયેલા વિવાદમાં મહાનગરપાલિકાએ પાંચ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. વિશેષ તપાસ સમિતિના અહેવાલના આધારે મહાનગરપાલિકાએ સમગ્ર મામલે વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે. આ મામલે અગાઉ સંબંધિત અધિકારીઓ સામે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 1946ની રથયાત્રામાં કોમી હિંસા વચ્ચે માનવતા માટે વસંત-રજબે વહોરી શહાદત : અમદાવાદને કોમી એકતાનો અમર પાઠ શીખવતી બે મિત્રોની કહાની

નિષ્પક્ષ તપાસ માટે સસ્પેન્શનનો નિર્ણય

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, વિશેષ તપાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ ખાતાકીય તપાસ થાય તે માટે સંબંધિત પાંચેય અધિકારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. તંત્રનું કહેવું છે કે તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો, કાર્યવાહી અને જવાબદારીઓની સમીક્ષા કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની શિસ્તભંગની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

ડિમોલિશન દરમિયાન અધિકારીઓની ભૂમિકા ચર્ચામાં

નાસીરનગર ડિમોલિશન કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર જયાંગ જીવનરામજીવાલા ઘટનાસ્થળે હાજર હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વીડિયો બાદ સમગ્ર કાર્યવાહી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, વિવાદ બાદ જયાંગ જીવનરામજીવાલા થોડા દિવસની રજા પર ઉતરી ગયા હતા. જોકે, સમગ્ર ઘટનામાં તેમની ભૂમિકા અંગે સત્તાવાર તપાસ ચાલુ હોવાથી અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: 1946ની અમદાવાદ રથયાત્રા અને કોમી તણાવનો ઇતિહાસ : વસંત-રજબ એટલે 'મિયાં-મહાદેવ'ની જોડી! હિંદુ-મુસ્લિમ કોમી એકતાની અનોખી કહાની

સુજલ પ્રજાપતિની ભૂમિકાને લઈને પણ તપાસ

ડિમોલિશન કામગીરીમાં કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિની ભૂમિકાને લઈને પણ વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપો અનુસાર તેમણે ડિમોલિશન માટે જરૂરી મશીનરી અને માનવબળની વ્યવસ્થા અંગે સૂચનાઓ આપી હતી તથા પોતાના કાર્યક્ષેત્ર બહાર હોવા છતાં સ્થળ પર હાજર રહ્યા હતા.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે ડિમોલિશન દરમિયાન તેમણે પોલીસની હાજરીમાં કાર્યવાહી આગળ વધારવા સૂચનાઓ આપી હતી. જોકે, આ તમામ મુદ્દાઓ હાલમાં ખાતાકીય તપાસનો ભાગ છે અને સંબંધિત આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અથવા જવાબદારી અંગે અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

તપાસના પરિણામ પર રહેશે નજર

નાસીરનગર ડિમોલિશન કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ મહાનગરપાલિકાની ખાતાકીય તપાસના પરિણામ પર સૌની નજર છે. તપાસમાં જો કોઈ પ્રકારની બેદરકારી, નિયમભંગ અથવા સત્તાનો દુરુપયોગ સામે આવશે તો સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર અને વિભાગીય કાર્યવાહી થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now