Home Gujarat Surat Surat Road Collapse St Bus School Van Trapped Four Major Incidents In 15 Days

સુરતમાં STનું આખે આખું ટાયર રોડમાં ઘુસી ગયું : નવો રોડ બેસી જતા સ્કૂલ વાન ખાડામાં ફસાઈ, માત્ર 15 દિવસમાં 4 માર્ગો ધસી પડ્યા

Surat Road Collapse
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 09:10 AM IST

Surat Road Collapse: સુરતને દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં ગણવામાં આવે છે. સ્માર્ટ સિટી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવાઓ વચ્ચે હવે ચોમાસાની શરૂઆત સાથે એક અલગ જ વાસ્તવિકતા સામે આવી રહી છે. છેલ્લા માત્ર 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડવાની અને ભૂવા પડવાની ચાર મોટી ઘટનાઓ બનતાં સુરતના વિકાસ મોડેલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે ઉધના-પાંડેસરા વિસ્તારમાં મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં 35 મુસાફરો ભરેલી ST બસનું આખું ટાયર રોડની અંદર ખૂંપી ગયું હતું. બીજી તરફ લીંબાયત વિસ્તારમાં સ્કૂલ વાન અચાનક સર્જાયેલા ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ચોમાસાના પ્રથમ તબક્કામાં જ સર્જાયેલી આ ઘટનાઓએ શહેરની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે.

ઉધના-પાંડેસરામાં રોડ ધસી પડ્યો, ST બસમાં સવાર 35 મુસાફરોના જીવ અધ્ધર

મંગળવારે સુરતના ઉધના ગામ નજીક પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં વ્યસ્ત માર્ગ પર પસાર થઈ રહેલી રાજ્ય પરિવહનની બસ અચાનક રોડ બેસી જતાં ખાડામાં ફસાઈ ગઈ હતી. બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અચાનક બસનું ટાયર રોડની અંદર સમાઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ જો બસ સંપૂર્ણપણે ખાડામાં ધસી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

લીંબાયતમાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ, મોટી હોનારત ટળી

ઉધનાની ઘટના બાદ સુરતના લીંબાયત વિસ્તારમાં પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી હતી. અહીં અચાનક સર્જાયેલા ખાડામાં એક સ્કૂલ વાન એક તરફ નમીને ફસાઈ ગઈ હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. વાનમાં બાળકો સવાર હોવાના કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ બાળકને ઈજા પહોંચી નહોતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે, વરસાદ શરૂ થતાં પહેલાં માર્ગોની યોગ્ય તપાસ અને સમારકામ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત.

આ પણ વાંચો: SMC એ તો ગજબની બુધ્ધિ વાપરી! : ખાડામાં પડેલી કાર સાથે જ કર્યું સમારકામ, હવે Video વાયરલ

માત્ર 15 દિવસમાં સુરતમાં 4 મોટી ઘટનાઓ

સુરત શહેરમાં છેલ્લા બે અઠવાડિયામાં સતત રસ્તાઓ ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ હવે એકલદોકલ નહીં પરંતુ એક ગંભીર શહેરી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

16 જૂન : ડીંડોલીમાં પ્રમુખ રોડ ધસી પડ્યો

આ સમગ્ર સિલસિલાની શરૂઆત 16 જૂને ડીંડોલી વિસ્તારમાં થઈ હતી. અહીં લગભગ 100 મીટર સુધીનો મુખ્ય માર્ગ અચાનક બેસી ગયો હતો. ઘટનાની ગંભીરતા એ હતી કે એક ભારે ડમ્પર રોડની અંદર સુધી ગરકાવ થઈ ગયું હતું. ડમ્પરના ટાયર સંપૂર્ણપણે ખાડામાં ફસાઈ જતા ક્રેનની મદદથી તેને બહાર કાઢવું પડ્યું હતું. સ્થાનિકોને લાંબા સમય સુધી અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

30 જૂન : મોટા વરાછામાં 700 મીટર સુધીનો માર્ગ ધસી પડ્યો

30 જૂને સુરતના મોટા વરાછા વિસ્તારમાં સૌથી ગંભીર ઘટના સામે આવી હતી. અહીં અંદાજે 700 મીટરના વિસ્તારમાં આખેઆખો માર્ગ બેસી ગયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલી અનેક કારો અને વાહનો ખાડામાં સમાઈ ગયા હતા. કેટલાક વાહનો તો કાટમાળ અને માટી નીચે દબાઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ આટલા મોટા પ્રમાણમાં રસ્તો ધસી પડવો શહેરના વિકાસ મોડેલ માટે ચિંતાનો વિષય બન્યો છે.

પુણાગામ-સણિયા રોડ પર 7 વાહનો ફસાયા

તે જ દિવસે પુણાગામ વિસ્તારમાં આવેલા સણિયા ગામ નજીક પણ માર્ગ બેસી જવાની ઘટના સામે આવી હતી. અચાનક રસ્તો ધસી પડતાં અંદાજે સાત જેટલા વાહનો તેમાં ફસાઈ ગયા હતા. આ વાહનોમાં હેવી કોમર્શિયલ વાહનોનો પણ સમાવેશ થતો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સુરતના વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: પહેલાં જ વરસાદે બગાડી સુરતની 'સૂરત', ઠેર-ઠેર ભુવા : બેસી ગયો 400 મીટરનો રોડ, ખૂંપી ગઇ પૂરાણ કરવા આવેલી ટ્રક

કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ વરસાદ સહન ન કરી શક્યા

સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરે છે. વરસાદી પાણીના નિકાલ, માર્ગ મરામત અને ખાડાઓ પુરવાની કામગીરી માટે મોટા પાયે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ માત્ર થોડાક દિવસના વરસાદમાં જ કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા મુખ્ય માર્ગો ધસી પડતાં હવે આ કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, માર્ગ નિર્માણ દરમિયાન ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

નાગરિકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી ગઈ છે? સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની આ સ્થિતિ હોય તો આગામી સમયમાં ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે ચિંતા વધી રહી છે. રોડ નિર્માણમાં નબળી ગુણવત્તા, યોગ્ય દેખરેખનો અભાવ અને જવાબદારીના અભાવે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સીધી અસર પડી રહી હોવાનું લોકો માની રહ્યા છે.

મેયર આકરા પાણીએ, બેદરકાર એજન્સીઓ સામે કાર્યવાહીનો સંકેત

છેલ્લા 15 દિવસમાં બનેલી ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના મેયરે રસ્તા ધસી પડવાની ઘટનાઓ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મેયરે જણાવ્યું છે કે, જ્યાં પણ બેદરકારી સામે આવશે ત્યાં સંબંધિત કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવશે. જે રસ્તાઓ હજુ ગેરંટી અવધિમાં છે તેનું સમારકામ કોન્ટ્રાક્ટરોને પોતાના ખર્ચે કરવું પડશે. તેમણે ચેતવણી આપી છે કે, કામમાં ખામી જોવા મળશે તો સંબંધિત એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

વિકાસના દાવા સામે કડવી હકીકત

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ માર્ગો ધસી પડવાની સતત ઘટનાઓ શહેરના વિકાસ મોડેલ પર સવાલો ઊભા કરી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો રસ્તાઓ સામાન્ય વરસાદ સામે ટકી શકતા ન હોય તો વિકાસના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનું અંતર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હવે લોકોની માંગ છે કે, માત્ર સમારકામ પૂરતું નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now