સુરત સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય ઓનલાઈન છેતરપિંડીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે Curest Science & Wellness Pvt. Ltd.ના નામે ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો ચલાવી દેશભરની મહિલાઓને વજન ઘટાડવાની દવાના બહાને નિશાન બનાવવામાં આવતી હતી. સુરતમાં નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ₹1.77 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે, જ્યારે પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન આશરે ₹75થી ₹80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તપાસના આધારે સુરત સાયબર પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાં ચાલતા એક મોટા કોલ સેન્ટર પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કોલ સેન્ટરમાં અંદાજે 100થી 150 જેટલા ટેલીકોલર્સ કાર્યરત હતા અને તેઓ દેશભરના લોકોને ફોન કરીને દવા ખરીદવા માટે પ્રેરિત કરતા હતા.
આ પણ વાંચો: રાધનપુરમાં ₹196 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ : 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0'માં ત્રણ સામે ગુનો
મહિલાઓને વિશ્વાસમાં લેવા ખોટી ઓળખનો સહારો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અલગ-અલગ ખોટા નામ અને ઓળખનો ઉપયોગ કરીને ભોગ બનનારાઓનો વિશ્વાસ જીતતા હતા. આરોપી હેના ફોન પર પોતાને 'તન્વી શર્મા' તરીકે ઓળખાવતી હતી, જ્યારે આરોપી નિશા કુમારી 'પ્રિયા ગુપ્તા'ના નામે વજન ઘટાડવાની દવાઓ વેચતી હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે ફરાર આરોપી અસરલાન પોતાને 'ડૉ. એમ. કે. ખન્ના' અને 'ડૉ. આકાશ મલ્હોત્રા' તરીકે રજૂ કરીને ભોગ બનનારાઓને તબીબી સલાહ આપવાના બહાને વધુ દવાઓ ખરીદવા પ્રેરિત કરતો હતો. આ રીતે વિશ્વાસ ઉભો કરીને લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: SMC એ તો ગજબની બુધ્ધિ વાપરી! : ખાડામાં પડેલી કાર સાથે જ કર્યું સમારકામ, હવે Video વાયરલ
કુરિયર મારફતે રોકડ વસૂલાતનું આયોજન
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ઓનલાઈન પેમેન્ટ ઉપરાંત કુરિયર મારફતે રોકડ રકમ પણ વસૂલતા હતા. આરોપી મોહમ્મદ હુસનૈ ઉર્ફે રાહુલ રાજ કુરિયર બોય બની ગ્રાહકો પાસેથી રોકડ ઉઘરાવતો હતો. જ્યારે આરોપી ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડવાની સાથે રોકડ વસૂલવાની કામગીરી સંભાળતો હતો.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સમગ્ર કામગીરી સુનિયોજિત રીતે સંચાલિત થતી હતી, જેમાં માર્કેટિંગ, ટેલીકોલિંગ, નકલી ડૉક્ટર તરીકે કાઉન્સેલિંગ અને કુરિયર ડિલિવરી માટે અલગ-અલગ ટીમો કાર્યરત હતી.
કંપનીના ડિરેક્ટરો સહિત અનેક આરોપીઓની શોધખોળ
સાયબર પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ, કંપનીના ડિરેક્ટર તરીકે અમિત ગૌરવ અને પંકજ શર્માના નામ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પંકજ શર્મા કંપનીમાં CAO તરીકે પણ કામગીરી સંભાળતો હતો. ઉપરાંત દીપક નામનો વ્યક્તિ સમગ્ર રેકેટનું મેનેજમેન્ટ કરતો હોવાનું અને અસરલાન ખોટી ડૉક્ટરની ઓળખ સાથે લોકોને છેતરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હાલ અમિત ગૌરવ, પંકજ શર્મા, દીપક, અસરલાન સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન, કોલ ડેટા અને અન્ય દસ્તાવેજોના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો: પહેલાં જ વરસાદે બગાડી સુરતની 'સૂરત', ઠેર-ઠેર ભુવા : બેસી ગયો 400 મીટરનો રોડ, ખૂંપી ગઇ પૂરાણ કરવા આવેલી ટ્રક
લોકોને સાવચેત રહેવાની અપીલ
સુરત સાયબર પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતો, ચમત્કારી દવાઓ અને ઝડપી વજન ઘટાડવાના દાવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે. કોઈપણ દવા ખરીદતા પહેલાં કંપનીની વિશ્વસનીયતા, વેબસાઇટની સત્તાવારતા અને તબીબી નિષ્ણાતની સલાહની ખાતરી કરવાની સલાહ આપવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ આવી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.





