Home Gujarat Radhanpur Rs196 Crore Cyber Fraud Operation Mule Hunt 2

રાધનપુરમાં ₹196 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ : 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0'માં ત્રણ સામે ગુનો

રાધનપુર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: Jun 30, 2026, 11:17 AM IST

પાટણ : પાટણ જિલ્લાના રાધનપુરમાં રાજ્યવ્યાપી ચલાવવામાં આવેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દરમિયાન અંદાજે ₹196 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓ સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શ્રમિકોના નામે બેંક ખાતા ખોલાવી તેનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાંના વ્યવહારો માટે કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે.

પોલીસ તપાસ મુજબ, આ સમગ્ર કૌભાંડમાં આર્થિક રીતે નબળા અને મજૂરી કરતા લોકોને દર મહિને કમિશનની લાલચ આપવામાં આવતી હતી. આરોપીઓ તેમના નામે વિવિધ બેંકોમાં ખાતાં ખોલાવતાં અને બાદમાં પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સિમકાર્ડ તેમજ અન્ય બેંકિંગ દસ્તાવેજો પોતાના કબજામાં લઈ લેતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ગુનાઓમાંથી મળેલી રકમના ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

SAMANVAYA પોર્ટલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

પોલીસે SAMANVAYA પોર્ટલ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન શંકરભાઈ ઠાકોરના નામે ચાલતા બે બેંક ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી 38 સાયબર ફ્રોડ ફરિયાદો મળી આવી હતી. આ ફરિયાદોમાં ઓનલાઈન છેતરપિંડીના નાણાં આ ખાતાઓ મારફતે ટ્રાન્સફર થયાની વિગતો સામે આવતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. આ તપાસના આધારે પોલીસે ખાતાધારકની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર કૌભાંડની કડી ખુલતી ગઈ અને ખાતા કેવી રીતે ખોલાવવામાં આવ્યા હતા તેની વિગત સામે આવી હતી.

પૂછપરછમાં ખુલ્યો સમગ્ર ખેલ

શંકરભાઈ ઠાકોરે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મનોજકુમાર ઉર્ફે લાલો ઠક્કરે દર મહિને રૂ. 10 હજાર કમિશન આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ હર્ષદભાઈ ઠક્કર મારફતે તેમના નામે બેંક ખાતાં ખોલાવવામાં આવ્યા હતા. ખાતા ખુલ્યા બાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સિમકાર્ડ અને અન્ય તમામ બેંકિંગ કીટ આરોપીઓ પોતાના કબજામાં લઈ ગયા હતા. ત્યારથી ખાતાના વ્યવહારો અંગે તેમને કોઈ માહિતી નહોતી. પોલીસ હવે આ ખાતાઓ મારફતે થયેલા તમામ નાણાકીય વ્યવહારો અને તેમાં સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે.

BNS અને IT એક્ટ હેઠળ ગુનો, તપાસ તેજ

આ સમગ્ર મામલે પોલીસે શંકરભાઈ ઠાકોર, મનોજકુમાર ઉર્ફે લાલો ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર સહિત અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 317(2), 317(5), 318(4), 61(2)(a) તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે. મામલાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રોહિતકુમાર વાધિયાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન આ નેટવર્ક રાજ્ય બહાર સુધી ફેલાયેલું છે કે નહીં, અન્ય કેટલાં બેંક ખાતાઓનો ઉપયોગ થયો છે અને આ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ કોણ છે તે સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સાયબર ગુનાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી 'મ્યુલ એકાઉન્ટ'નો ઉપયોગ સતત વધી રહ્યો છે. આવા ખાતાઓનો ઉપયોગ કરીને ગુનેગારો છેતરપિંડીથી મેળવેલી રકમ ઝડપથી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે. પોલીસ દ્વારા લોકોને પોતાના નામે કોઈપણ વ્યક્તિના કહેવાથી બેંક ખાતું ખોલાવી તેની કીટ અથવા દસ્તાવેજો અન્યને સોંપવા નહીં અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now